લોકપ્રતિનિધિઓની અવગણના બદલ મેટ્રો વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશું : ભાજપ

લોકપ્રતિનિધિઓની અવગણના બદલ મેટ્રો વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશું : ભાજપ
પુણેમાં નિર્માણાધીન મેટ્રોમાં શરદ પવારે પ્રવાસ કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે આજે પુણેમાં પીસીએમસી-સ્વારગેટ કોરિડોરમાં ફુગેવાડી અને પિંપરી-ચિંચવડ સ્ટેશનો વચ્ચે મેટ્રો ટ્રેનની ટ્રાયલ રનમાં પ્રવાસ કર્યો હતો. આ બનાવની ટીકા કરતા ભાજપનો પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે કે પુણે અને પિંપરી-ચિંચવડમાં અનેક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ છે. આમ છતાં ફક્ત શરદ પવારને ટ્રાયલ રનમાં પ્રવાસ કરાવીને એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે અમુક લોકોને કારણે જ આ પ્રકલ્પ સાકાર થયો છે. આ પ્રકરણ અંગે અમે મેટ્રો વહીવટીતંત્રની વિરુદ્ધ વિધાનગૃહોમાં વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવશું, એમ પાટીલે જણાવ્યું છે.
ચંદ્રકાંત પાટીલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, શરદ પવારના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં 15 વર્ષ અને દેશમાં દસ વર્ષ સરકાર સત્તા ઉપર હતી. તે સમયગાળામાં આ પ્રકલ્પ રખડી પડયો હતો. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે બધી પરવાનગી મેળવી આપવાનું કામ શરૂ થયું હતું. પુણે મેટ્રોના રૂા. 11 હજાર કરોડના પ્રકલ્પમાં ધિરાણ માટે ગેરેન્ટીરૂપે કેન્દ્ર સરકારનો હિસ્સો રૂા. આઠ હજાર કરોડ જેટલો છે. પુણે મેટ્રોના એક તબક્કાનું લોકાર્પણ વડા પ્રધાન મોદીના હસ્તે કરવાનું નક્કી થયું હતું, પણ કોરોનાની ત્રીજી લહેરને કારણે તે કાર્યક્રમ મુલતવી રહ્યો હતો. આ બાબત જશ ખાટવા માટે છેક છેલ્લી ઘડીએ હાજર થઈ જવા જેવી છે. પુણેના આઠ અને પિંપરી-ચિંચવડના ત્રણ વિધાનસભ્યો તેમ જ પુણેમાં રહેતા બે સાંસદોની અવગણના કરવામાં આવી છે. મેટ્રો તંત્રને ઉતાવળે ઉદ્ઘાટન કરવા ઇચ્છુક હતું તો તેણે આ બધા લોકપ્રતિનિધિઓ અને પુણેના મેયરને સન્માનપૂર્વક બોલાવવાની જરૂર હતી, એમ પાટીલે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્ર મેટ્રો રેલ કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર બ્રિજેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, અમે શરદ પવારને મેટ્રો રેલ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer