પંજાબમાં મતદાન 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે

પંજાબમાં મતદાન 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે
રાજકીય પક્ષોની અપીલ સ્વીકારતું ચૂંટણી પંચ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : ચૂંટણી પંચે સોમવારે જાહેર ર્ક્યું હતું કે 16 ફેબ્રુઆરીના ગુરુ રવિદાસ જયંતી હોવાથી પંજાબના મુખ્ય પ્રધાન અને વિવિધ રાજકીય પક્ષોની વિનંતીને સ્વીકારીને વિધાનસભા ચૂંટણીનું મતદાન 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
આ અંગેનું જાહેરનામું 25 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે અને 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.
ચૂંટણી પંચે બહાર પાડેલી અખબારીયાદીમાં જણાવાયું છે કે ઉપલબ્ધ કરવામાં આવેલાં તમામ તથ્યો પર વિચાર કરીને ચૂંટણી પંચે આઠમી જાન્યુઆરીએ પંજાબ રાજ્યની વિધાનસભા ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી જેનું જાહેરનામું 21 જાન્યુઆરીએ બહાર પાડવાનું હતું અને 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. જો કે રાજ્ય સરકાર, રાજકીય પક્ષો અને અન્ય સંગઠનોએ ચૂંટણી પંચને વિનંતી કરીને ધ્યાન દોર્યું હતું કે ગુરુ રવિદાસ જયંતી નિમિત્તે પંજાબથી મોટી સંખ્યામાં લોકો વારાણસી જતા હોય છે. ગુરુ રવિદાસ જયંતી ઉત્સવના અઠવાડિયા પહેલાં જ લોકો વારાણસી જવા નીકળી જાય છે અને 14 ફેબ્રુઆરીએ મતદાન યોજવાથી મોટી સંખ્યામાં મતદારો મતદાન નહીં કરી શકે. આથી તેમણે 16 ફેબ્રુઆરીના કેટલાક દિવસ પછી મતદાન યોજવાની વિનંતી કરી હોવાનું ચૂંટણી પંચના નિવેદનમાં જણાવાયું છે.
પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ રવિવારે ચૂંટણી પંચને વિનંતી કરીને ગુરુ રવિદાસ જયંતીને કારણે 14 ફેબ્રુઆરીનું મતદાન સપ્તાહ માટે મુલતવી રાખવાનો આગ્રહ ર્ક્યો હતો.
ભાજપ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહની પંજાબ લોક કૉંગ્રેસ સહિત એના સાથી પક્ષોએ પણ મતદાન મુલતવી રાખવાની ચૂંટણી પંચને વિનંતી કરી હતી. પંજાબ આમ આદમી પાર્ટીના પ્રમુખ ભગવંત માને પણ ટ્વીટ કરીને મતદાન એક અઠવાડિયા માટે ટાળવાનો ચૂંટણી પંચને અનુરોધ કર્યો હતો. 
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રને લખેલા પત્રમાં ચરણજિત સિંહ ચન્નીએ લખ્યું છે કે અનુસૂચિત જાતિ સમાજના કેટલાક પ્રતિનિધિઓએ ગુરુ રવિદાસ જયંતી 16મી ફેબ્રુઆરીએ હોવા અંગે તેમનું ધ્યાન ખેંચ્યું હતું. રાજ્યની વસતીના લગભગ 32 ટકા લોકો આ સમાજના છે. આ પ્રસંગે 10થી 16 ફેબ્રુઆરી દરમિયાન પંજાબના અનુસૂચિત જાતિ સમાજના લગભગ વીસ લાખ લોકો ઉત્તર પ્રદેશમાં વારાણસી જવાની સંભાવના છે. આ સંજોગોમાં આ સમાજના ઘણા લોકો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકશે જે તેમનો બંધારણીય અધિકાર છે, એવું તેમણે 13 જાન્યુઆરીએ લખેલા પત્રમાં જણાવ્યું છે. 
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની વિનંતી, રાજ્ય સરકાર તથા ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી તથા આ સંદર્ભે અગાઉની પ્રાથમિકતા અને સંજોગોને ધ્યાનમાં રાખીને પંજાબની વિધાનસભા ચૂંટણીનું સમયપત્રક બદલવાનો નિર્ણય લેવાયો છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer