અબુધાબી ઍરપોર્ટ નજીક હૂતી વિદ્રોહીઓનો ડ્રોન હુમલો

અબુધાબી ઍરપોર્ટ નજીક  હૂતી વિદ્રોહીઓનો ડ્રોન હુમલો
બે ભારતીય સહિત ત્રણનાં મૃત્યુ; છને ઈજા
નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં આજે ડ્રોનથી કરવામાં આવેલા હુમલામાં બે ભારતીય નાગરિક સહિત ત્રણના મોત થયાં હતાં. હુમલો અબુધાબીના અંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક કરવામાં આવ્યો હતો. હુમલામાં પેટ્રોલ ટેન્કને ઉડાવી દેવામાં આવ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. યમનના હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી હતી. આ ઘટનામાં એક પાકિસ્તાની નાગરિકનું પણ મોત થયું છે. છ લોકોને ઈજા પહોંચી હતી.
અધિકારીઓએ અમીરાત ન્યૂઝ એજન્સી (ડબલ્યુએએમ)ને જણાવ્યું હતું કે તેલ કંપની એડનોકના ગોદામ નજીક મુસાફા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇંધણના ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ સિવાય અબુધાબી અંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ આગ લાગી હતી. 
પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં નાના પ્લેનના કેટલાક ટુકડા મળી આવ્યા છે. કદાચ તે ડ્રોન હતા અને તેના કારણે ટેન્કરોમાં વિસ્ફોટ થયો અને એરપોર્ટ પર આગ લાગી હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે આ હુમલામાં વધારે નુકસાન થયું નથી. 
ઉલ્લેખનીય છે કે આ પહેલાં યમનના હૂતી બળવાખોરોએ કહ્યું કે તેઓએ યુએઈની અંદર તેમની સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. તેઓ આગામી થોડા કલાકોમાં આ અંગે વધુ માહિતી આપશે. 
હૂતી વિદ્રોહીઓએ ગયા વર્ષે બે વખત સાઉદીના બે હવાઈમથકને નિશાન બનાવ્યા હતા. યુએઈના કોઈ મોટા એરપોર્ટ પર પહેલીવાર મોટો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુએઈના સ્થાનિક મીડિયા અનુસાર, આ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer