ટારોબા (ત્રિનિદાદ), તા.19: અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય યુવા ટીમ કોરોનાની ઝપટે ચડી ગઇ છે. કપ્તાન યશ ધૂલ અને ઉપસુકાની શેખ રશીદ સહિતના ભારતીય ટીમના 6 ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ ખેલાડીઓને આઇસોલેટ કરાયા છે. આથી આજે આયરલેન્ડ સામેના બીજા લીગ મેચમાં કપ્તાન યશ ધૂલ સહિતના તમામ પોઝિટીવ ખેલાડી ભાગ લઇ શકયા ન હતા. ટૂર્નામેન્ટમાં તેમને આગળ કયારે રમવા મળશે તે પણ નિશ્ચિત નથી. આયરલેન્ડ સામેના મેચમાં નિશાંત સંધૂએ સુકાન સંભાળ્યું હતું.
આજના મેચમાં ભારતે આયરલેન્ડ સામે 50 ઓવરમાં 5 વિકેટે 307 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેમાં અંગક્રિશ રઘુવંશીના 79, હરનૂર સિંહના 88 રન મુખ્ય હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 164 રનની ભાગીદારી થઇ હતી. રાજ બાવા 42 રને આઉટ થયો હતો. કાર્યવાહક સુકાની નિશાંત સંધૂએ 36 રન કર્યાં હતા.
Published on: Thu, 20 Jan 2022
કપ્તાન યશ ધૂલ સહિતના 6 ખેલાડી પોઝિટિવ : આયરલેન્ડ સામે ભારતના 5 વિકેટે 307
