ફિટનેસની સમસ્યાથી પરેશાન સાનિયા સિઝનના અંતે નિવૃત્ત થશે
નવી દિલ્હી, તા.19: ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આજે સંન્યાસની ઘોષણા કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડની હાર બાદ સાનિયાએ વર્તમાન સિઝનના અંતે ટેનિસ છોડવાની જાહેરાત કરી હતી. સાનિયા મિર્ઝાએ કહ્યં કે તેનું શરીર હવે થાક્યું છે. પ્રેરણા અને ઉર્ઝાનું સ્તર પણ ઘટી રહ્યંy છે. આથી 2022ની સિઝન મારી આખરી સિઝન બની રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઓસ્ટ્રેલિયન ઓપનના ડબલ્સમાં સાનિયા અને તેની ઉક્રેનની જોડીદાર નાદિયા કિચનોક પહેલા રાઉન્ડમાં હારી હતી. જો કે મિકસ ડબલ્સમાં સાનિયા અમેરિકી ખેલાડી રાજીવ રામ સાથે મળીને પડકાર આપશે.મેચ બાદ સાનિયાએ જણાવ્યું કે હવે હું ટેનિસ છોડી રહી છું. આ સિઝન આખરી હશે. એ પણ નથી ખબર કે પૂરી સિઝન રમી શકીશ કે નહીં ?
સાનિયા મિર્ઝાએ તેની કેરિયરમાં 6 ગ્રાંડસ્લેમ ખિતાબ જીત્યા છે. તેણીએ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સ, 201પમાં વિમ્બલ્ડન અને અમેરિકી ઓપનના ખિતાબ જીત્યા હતા. મિકસ ડબલ્સમાં તે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેંચ ઓપન અને 2014માં અમેરિકી ઓપનમાં ચેમ્પિયન બની હતી. એક સમયે સાનિયા મહિલા ડબલ્સમાં નંબર વનના ક્રમાંકે પહોંચી હતી. સાનિયાએ તેની સીનીયર કેરિયરની શરૂઆત 2003માં કરી હતી. તે પાછલા 19 વર્ષથી ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે તેણીએ સિંગલ્સમાં રમવાનું ઘણા સમય પહેલા જ છોડી દીધું હતું. પાછલા ઘણા સમયથી તે ફિટનેસની સમસ્યાને લીધે ટેનિસ કોર્ટની અંદર-બહાર થતી રહેતી હતી. 2010માં તેણીએ પાક. ક્રિકેટર શોએબ મલિક સાથે શાદી કરી હતી. 2018માં પુત્રના જન્મ પછી સાનિયાએ બ્રેક લીધો હતો અને બે વર્ષ બાદ વાપસી કરી હતી. સાનિયાને 2004માં અર્જુન એવોર્ડ, 2006માં પદ્મશ્રી અને 2015માં ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવી હતી.
Published on: Thu, 20 Jan 2022
સાનિયા મિર્ઝાનું ટેનિસને બાય બાય
