વેચાણ 20 ટકા ઘટી 4.69 લાખ યુનિટનું થયું
મુંબઈ, તા. 19 : દેશની અગ્રણી ટુ અને થ્રી વ્હિલર્સ ઉત્પાદક કંપની બજાજ અૉટોનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 22 ટકા ઘટી રૂ.1,214 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનો એકત્રિત ચોખ્ખો નફો 1,556 કરોડ થયો હતો.
સમીક્ષા હેઠળના આ ત્રિમાસિક ગાળામાં કંપની આવક રૂ.9,021 કરોડ રહી હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.8,909 કરોડ હતી. બુધવારે એનએસઇમાં કંપનીનો શેર 1.51 ટકા વધી રૂ.3,452ના સ્તરે બંધ આવ્યો હતો.
વ્યાજ, વેરા અને ઘસારા પહેલાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 20 ટકા ઘટી રૂ.1,405 કરોડ થઇ હતી. કંપનીનું માર્જિન પણ ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 19.8 ટકાથી ઘટી 15.6 ટકા થયું હતું. ત્રિમાસિક ધોરણે ઇબિડ્ટા માર્જિન સપ્ટેમ્બર ગાળાના 15 ટકાથી સહેજ બહેતર થઇને ડિસેમ્બર ગાળામાં 15.6 ટકા થયું હતું. મજબૂત ડૉલર, ઓછો મટિરિયલ કોસ્ટ અને ભાવ વધારાની સકારાત્મક અસરના કારણે ડિસેમ્બર ગાળામાં ઇબિડ્ટા માર્જિનમાં સુધારો થયો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
31 ડિસેમ્બર સુધી રોકડ પુરાંત અને તેને સમાન્તર કૅશ રૂ.17883 કરોડ રહી હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.17,526 કરોડ હતી.
ત્રીજા ગાળા દરમિયાન બજાજ અૉટોનું સ્થાનિક માર્કેટમાં વેચાણ 20 ટકા ઘટી 4.69 લાખ યુનિટનું થયું હતું. જોકે, કંપનીનો માર્કેટ શેર વધીને 19.2 ટકા થયો હતો.
Published on: Thu, 20 Jan 2022
ડિસેમ્બર ત્રિમાસિકમાં બજાજ અૉટોનો નફો બાવીસ ટકા ઘટી રૂ. 1214 કરોડ થયો
