ભાજપના 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા અંગેનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો

નવી દિલ્હી, તા. 19 (પી.ટી.આઈ.): મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપના 12 વિધાસભ્યોએ પોતાના સસ્પેન્શનને રદ કરવા માટે કરેલી અરજી વિશેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે બુધવારે અનામત રાખ્યો હતો. વિધાનસભાના પ્રિસાઈડિંગ અૉફિસર સાથે તેમની ચેમ્બરમાં ગેરવર્તન કરવાના આરોપસર આ 12  સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 
ત્રણ જજની બેન્ચે પક્ષકારોને તેમની લેખિત રજૂઆત એક અઠવાડિયામાં ફાઈલ કરવાની પણ સૂચના આપી હતી. 
ભાજપના એક સસ્પેન્ડેડ વિધાનસભ્ય વતી સિનિયર એડવૉકેટ મહેશ જેઠમલાનીએ કહ્યું હતું કે, સસ્પેન્શનનો આટલો લાંબોગાળો હકાલપટ્ટી કરતા પણ ખરાબ છે, કારણે લાંબા સસ્પેન્શનને કારણે જે તે મતદાર સંઘના મતદારોના અધિકારોને અસર થાય છે. જ્યારે અન્ય વિધાનસભ્ય વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે એક વર્ષનું સસ્પેન્શન એકદમ અતાર્કિક છે. 
મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિધાનસભામાંથી એક વર્ષનું સસ્પેન્શન માટે કોઈ યોગ્ય કારણ માટે હોવું જોઈએ અને સસ્પેન્શન બીજા સત્ર સુધી ચાલવું ન જોઈએ. જો એ પછીના સત્ર સુધી સસ્પેશન ચાલે તો એ માટે નક્કર કારણ હોવા જોઈએ. વાસ્તવમાં સસ્પેન્શન છ મહિનાથી લાંબુ ન હોવું જોઈએ અને તે જે તે સત્ર પૂરતું મર્યાદિત હોવું જોઈએ. 
આ 12 વિધાનસભ્યોએ પોતાના સસ્પેન્શનના ઠરાવને 22 જુલાઈના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 
સ્પિકરની ચેમ્બરમાં પ્રિસાઈડિંગ અૉફિસર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તન કરવાનો આરોપ સરકારે ભાજપના 12 વિધાનસભ્યો પર મુકી તેમને પાંચ જુલાઈના સસ્પેન્ડ કર્યા હતા. ભાજપના આ 12 વિધાનસભ્યોમાં સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરિશ મહાજન, અતુલ ભાતખળકર, પરાગ અળવણી, હરિશ પિંપળે, યોગેશ સાગર, જયકુમાર રાવત, નારાયણ કુચે, રામ સાતપુતે અને બન્ટી ભાંગડીયાનો સમાવેશ છે. 
આ વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ વિધાનસભામાં રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે રજૂ કર્યો હતો અને એ મૌખિક મતથી પસાર થયો હતો. 
એ વખતે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકારના આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પ્રિસાઈડિંગ અૉફિસર ભાસ્કર જાધવે ઘટનાનું જે વર્ણન કર્યું છે એ એક તરફી છે. ગૃહમાં અમારી તાકાત ઓછી થાય એ માટે અમારા પક્ષના બાર સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. 
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer