કોવિડ-19ની પરિસ્થિતિ અંકુશ હેઠળ છે, ગભરાવાનું કોઈ કારણ નથી

કોવિડ-19ની પરિસ્થિતિ અંકુશ હેઠળ છે, ગભરાવાનું કોઈ કારણ નથી
પાલિકાએ મુંબઈ હાઈ કોર્ટને માહિતી આપી
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : મુંબઈ પાલિકાએ બુધવારે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે શહેર અને આસપાસના વિસ્તારોમાં કોવિડ-19ની પરિસ્થિતિ `અંકુશ હેઠળ' છે અને નાગરિકોએ ગભરાવવાનું કોઈ કારણ નથી.
વરિષ્ઠ ધારાશાત્રી અનિલ સાખરેએ મુખ્ય ન્યાયમૂર્તિ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ એમ.એસ. કર્ણિકની બેન્ચને જણાવ્યું હતું કે મુંબઈમાં વર્તમાન ત્રીજી લહેરમાં કોવિડના કેસોની સંખ્યા ઘટી રહી છે. 15મી જાન્યુઆરી સુધીના ડેટા પ્રમાણે શહેરમાં 84,352 સક્રિય કેસ છે જેમાં સાત ટકા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી, 3 ટકાને અૉક્સિજનની જરૂર પડી હતી અને 0.7 ટકાને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી હતી એમ સખરેએ હાઈ કોર્ટને જણાવ્યું હતું. વકીલે બીએમસી વતીથી સક્રિય કેસ, અૉક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધતા, હૉસ્પિટલોમાં પથારીઓ વગરેની માહિતી આપી હતી.
`આપણી પાસે અૉક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હૉસ્પિટલોમાં પૂરતી પથારીઓ ઉપલબ્ધ છે ગભરાવવાનું કોઈ કારણ નથી.' એમ સખરેએ જણાવ્યું હતું. પાલિકા એમ કહી રહી છે કે મુંબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. તેના પ્રત્યુત્તરમાં સખરેએ જણાવ્યું હતું કે હા, હાલ બધું જ અંકુશ હેઠળ છે. કેસ ઘટી રહ્યા છે. 6થી 9 જાન્યુઆરી વચ્ચે પૉઝિટિવ કેસ 20 હજારની આસપાસ હતા તે ઘટીને 15 જાન્યુઆરીના 10 હજાર અને છેલ્લા ત્રણ દિવસમાં 7000ની અંદર રહ્યા છે. કોવિડ-19 મહામારીને લગતી વિવિધ સમસ્યાઓ પરની જાહેરહિતની અરજીઓની કોર્ટ સુનાવણી કરી રહી હતી તે દરમિયાન પાલિકાએ આ રજૂઆત કરી હતી.
અરજદાર વકીલ આર્થવ દાંડેકરે કોર્ટને જણાવ્યું હતું કે પાલિકા શહેરમાં કોવિડ પર અંકુશ લગાવવામાં સારું કામ કરી રહી છે ત્યારે રાજ્ય સરકારે પણ સમગ્ર રાજ્યની કોવિડની પરિસ્થિતિ વિષે વિગતવાર માહિતી આપવી જોઈએ.
બેન્ચ આ વાત સાથે સંમત થઈ હતી અને 25 જાન્યુઆરી સુધીમાં રાજ્ય સરકારને આ વિગતો સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. આ અરજી પર વધુ સુનાવણી 27 જાન્યુઆરીના કરવામાં આવશે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer