કોરોનાના કેસોમાં ફરી ઉછાળો : નવા 2.82 લાખ સંક્રમિતો

કોરોનાના કેસોમાં ફરી ઉછાળો : નવા 2.82 લાખ સંક્રમિતો
એક જ દિવસમાં 18.9 ટકાનો વધારો; મુંબઈમાં રાહત
નવી દિલ્હી, તા.19 : દેશમાં માત્ર ચોવીસ કલાકના ગાળામાં ફરી કોરોના અને એમિક્રોન વેરિયન્ટનો ગાળિયો કસાતો હોય એમ ગઈકાલની તુલનામાં 18.9 ટકાના વધારા સાથે નવા 2.82 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. આ ગાળામાં 441 દર્દીનાં મોત થયાં હતાં તો 1,88,157 દર્દી સાજા પણ થયા હતા. જ્યારે ઓમિક્રોનના નવા 8961 કેસ સાથે કોરોના સંક્રમણના મામલાઓની કુલ સંખ્યા 3,79,01,241 થઈ હતી.  દરમ્યાન, મોડી સાંજના અહેવાલ મુજબ કેરળમાં કોરોનાના નવા 34199 કેસ આવ્યા હતા. મુંબઈમાં જોકે કોરોના કેસ ઘટી રહ્યા છે અને આજે માત્ર 6032 નવા મામલા સામે આવ્યા હતા. અહીં ગયા સપ્તાહ સુધી 20 હજારની આસપાસ કેસ આવી રહ્યા હતા. સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા એ રાજ્યોમાં કર્ણાટક સૌથી ઉપર છે. અહીં 41457 કેસ દર્જ થયા હતા. 
દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 18,31,000 થઈ છે જે 232 દિવસની સૌથી વધુ છે. ગયા વર્ષે 31મી મેના સક્રિય કેસનો આંક 18,95,250 રહ્યો હતો.
કોરોનાથી સંક્રમિત 441 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક વધીને 4,87,202 થયો હતો.  ઓમિક્રોનના કેસોમાં મંગળવારની તુલનાએ 0.79 ટકાનો વધારો થયો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દરમ્યાન, કેરળ હજુ પણ કોરોનાની દ્રષ્ટિએ ચિંતાનું રાજ્ય બની રહ્યું છે.અહીં એક દિવસમાં આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 15 ટકાનો વધારો થયો હતો.
કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં 39207 મામલા, કેરળમાં 28481 મામલા, તામિલનાડુમાં 23888 અને ગુજરાતમાં 17119 મામલા સામે આવ્યા હતા.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer