ફાઈટ સીન કરતાં સંજય ગગનાની ઈજાગ્રસ્ત

ફાઈટ સીન કરતાં સંજય ગગનાની ઈજાગ્રસ્ત
ઝી ટીવીની સીરિયલ કુંડલી ભાગ્યમાં કરણ (ધીરજ ધૂપર) અને પ્રિતા (શ્રદ્ધા આર્ય)ના જીવનમાં આવતા ચડાવ-ઉતારની વાર્તા છે. હાલમાં પૃથ્વી (સંજય ગગનાની)એ લુથરા મેન્શન પર કબ્જો મેળવી લીધો છે અને પ્રિતા પરિવારને બચાવવા પાછી ફરી રહી છે. આગામી એપિસોડમાં હાઈ વૉલ્ટેજ ડ્રામામાં કરણ અને પૃથ્વી હાથોહાથની મારામારી કરતાં જોવા મળશે. બંને કલાકારો પોતપોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે. સંજયે જે બહાદુરી દર્શાવી તેનાથી સેટ પર હાજર સૌ અવાક થઈ ગયા. ફાઈટ સીનમાં સલામતીનાં પગલાં લીધાં છતાં એક નાનકડો અકસ્માત થયો અને સંજયના જમણા હાથ પર ઉઝરડા પડયા તથા લોહી નીકળવા લાગ્યું. આમ છતાં સંજય અટકયો નહીં અને શૂટિંગ કરતો રહ્યો. બાદમાં સંજયે જણાવ્યું હતું કે, મારા હાથમાં ઈજા થઈ તે ખરું પણ લોહી નીકળતો હાથ હોવાથી દૃશ્ય વધુ સાચું લાગતું હતું. આથી મેં શૂટિંગ જારી રાખ્યું હતું. વળી ઈજા એવી ગંભીર નહોતી કે મને વધુ તકલીફ થાય. દૃશ્ય પૂરું થયા બાદ મેડિકલ ટીમે પાટાપીંડી કરી.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer