ત્રીજા ક્રમની મુગુરુઝા પણ હારી: અનુભવી એન્ડી મરેની સફર સમાપ્ત
મેલબોર્ન, તા.20: ઓસ્ટ્રેલિયન ઓપનમાં આજે અપસેટનો દિવસ રહ્યો હતો. 2021ની અમેરિકી ઓપન ચેમ્પિયન બ્રિટનની 19 વર્ષીય ખેલાડી એમ્મા રાડુકાનુ આજે બીજા રાઉન્ડમાં હારીને ટૂર્નામેન્ટમાંથી ફેંકાઇ ગઇ હતી. તેણી સામે 46મા ક્રમની ખેલાડી ડી. કોવિનિકનો 6-4, 4-6 અને 6-3થી વિજય થયો હતો. આ ઉપરાંત મહિલા વર્ગમાં ત્રીજા ક્રમની ગરબાઇન મુગુરુઝા અને છઠ્ઠા ક્રમની અનેટ કોંટાવીટ બે સીધા સેટમાં હારીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની બહાર થઇ છે. મુગુરુઝાનો એલાઇઝ કોનેટ સામે 2-6 અને 3-6થી કારમો પરાજય થયો હતો. તેણી મહિલા વર્ગમાં બહાર થનારી ટોચની ક્રમાંકિત ખેલાડી છે. આ પહેલા ડેનમાર્કની 19 વર્ષીય ખેલાડી ક્લારા ટોસને છઠ્ઠા ક્રમાંકની ખેલાડી કોંટાવીટને 6-2 અને 6-3થી હાર આપીને અપસેટ કર્યોં હતો. મહિલા વર્ગના અન્ય મેચમાં સાતમા ક્રમની અને 2020ની ફ્રેંચ ઓપન ચેમ્પિયન ઇગા સ્વિયાતેક રેબેકા પીટરસનને 6-2 અને 6-2થી હાર આપીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જયારે પુરુષ વર્ગમાં આજે પાંચમા નંબરનો ખેલાડી આંદ્રે રૂબવેલ, 2014નો યૂએસ ઓપન ચેમ્પિયન મારિન સિલિચ સહિતના બીજા કેટલાક ટોચના ખેલાડી જીત સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે. બીજા ક્રમનો રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવ અને ગ્રીસનો સિટસિપાસી પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. જયારે બ્રિટનના અનુભવી એન્ડી મરેની સફર સમાપ્ત થઇ છે. તે બીજા રાઉન્ડની બાધા પાર કરી શકયો નથી.
મિકસ ડબલ્સમાં ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝા અને તેનો અમેરિકી જોડીદાર રાજીવ રામે પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. આ જોડીએ એલેકસાંદ્રા કુનિચ અને નિકોલા સાસિચને 6-3 અને 7-6થી જીત મેળવી હતી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સાનિયા મિર્ઝા આ સિઝનના અંતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકી છે. મહિલા ડબલ્સની તે બહાર થઇ ચૂકી છે.
Published on: Fri, 21 Jan 2022
યુએસ અૉપન ચૅમ્પિયન રાડુકાનુ અૉસ્ટ્રેલિયન અૉપનમાંથી આઉટ
