ભારતનું લક્ષ્ય શ્રેણી જીવંત રાખવી, દક્ષિણ આફ્રિકાનું લક્ષ્ય કબજે કરવી : આજે બીજી વન ડે

ભારતનું લક્ષ્ય શ્રેણી જીવંત રાખવી, દક્ષિણ આફ્રિકાનું લક્ષ્ય કબજે કરવી : આજે બીજી વન ડે
ભારતીય ઇલેવનમાં સૂર્યકુમારની પરત ફરવાની શક્યતા: મૅચ બપોરે 2-00 વાગ્યાથી શરૂ થશે
પર્લ, તા.20: પહેલા મેચની હારથી વ્યથિત ટીમ ઇન્ડિયા ત્રણ વન ડેની શ્રેણીને જીવંત રાખવાના ઇરાદે શુક્રવારે મેદાને પડશે. બીજા વન ડેમાં ભારતીય બેટધરોએ તેમના દેખાવમાં સુધારો કરવો પડશે. કાર્યવાહક સુકાની કેએલ રાહુલના નેતૃત્વના પણ પારખા થશે. પહેલા મેચમાં તેનામાં લીડરશીપના ગુણનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે તે ટેસ્ટ કપ્તાનીનો પણ દાવેદાર છે. આથી ટીમની સાથોસાથ ખુદ સુકાની કેએલ રાહુલે પણ પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. પહેલા મેચની 31 રનની જીતથી દ. આફ્રિકાની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. તેંબા બાવુમાની આગેવાનીમાં ગૃહ ટીમ બીજો વન ડે જીતી શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાનું લક્ષ્ય રાખશે. બીજો વન ડે મેચ શુક્રવારે બપોરે 2-00 વાગ્યાથી શરૂ થશે. 
વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારથી મીડલ ઓર્ડરનું પ્રદર્શન ભારત માટે સમસ્યા બન્યું છે. જેનું સમાધાન હજુ નીકળ્યું નથી. ઓપનર શિખર ધવને અર્ધસદી કરીને સારી વાપસી કરી છે. જેની કોહલી સાથેની 92 રનની ભાગીદારી તૂટયા બાદ મધ્યક્રમ ફરી એકવાર વિખેરાઈ ગયું હતું. પહેલા મેચમાં દ. આફ્રિકાની ટીમ રણનીતિ અને કૌશલ બન્ને મામલે અવ્વલ રહી હતી. કેપ્ટનના રૂપમાં રાહુલે નિરાશ કર્યા હતા. સાવલ એ ઉઠયો છે કે જો વૈંકટેશ અય્યર પાસે બોલિંગ કરાવી જ ન હતી તો પછી તેને ડેબ્યૂની કેમ તક આપી. તેનાં સ્થાને બીજા મેચમાં સૂર્યકુમાર યાદવને તક આપવી જોઈએ. તે અનુભવી સારો ફટકાબાજ છે. પૂર્વ કપ્તાન કોહલીએ પણ ટીમ માટે આક્રમક બની મોટી ઇનિંગ રમીને બેટિંગ યુનિટની આગેવાની લેવી પડશે. શ્રેયસ અય્યરે શોર્ટ પીચ બોલ સામેની તેની રણનીતિમાં જલ્દીથી બદલાવ કરવો જરૂરી છે. શાર્દુલ ઠાકુરે મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ અર્ધસદી કરી હતી, પણ ત્યારે જીત પાછળ ઠેલાઈ ચૂકી હતી. તેણે બોલિંગમાં 72 રનનો ખર્ચ કર્યો હતો. જે મોંઘો પડયો હતો. ભુવનેશ્વરની વાપસી નિષ્ફળ રહી હતી. તેનાં સ્થાને સિરાઝ વિકલ્પ બની શકે છે.
બીજી તરફ આફ્રિકાએ કપ્તાન બાવુમા અને ડુસાનની સદીથી નબળી શરૂઆત છતાં ભારતીય બોલરોને ભીંસમાં લીધા હતા અને બાદમાં બોલરોના સહિયારા પ્રયાસથી આસાન જીત નોંધાવી હતી. ગૃહ ટીમ તેની વિજયી ઇલેવનમાં ફેરફાર ઇચ્છશે નહીં.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer