એશિયન પેઇન્ટ્સનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા ઘટી રૂા. 1016 કરોડ થયો

એશિયન પેઇન્ટ્સનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા ઘટી રૂા. 1016 કરોડ થયો
એકત્રિત આવક 26 ટકા વધીને રૂા. 8527 કરોડ થઈ
મુંબઈ, તા. 20 : પેઇન્ટ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની એશિયન પેઇન્ટ્સનો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા ઘટી રૂા. 1016 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂા. 1238 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
કંપનીની કામગીરી દ્વારા એકત્રિત આવક 26 ટકા વધીને રૂા. 8527 કરોડ થઇ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 6788 કરોડ થઇ હતી. કંપનીએ શૅરબજારોને આપેલી માહિતી અનુસાર અૉટો સેક્ટરમાં મંદી આવવાના કારણે તેના અૉટોમોટિવ કોટિંગ્સ બિઝનેસને ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં માઠી અસર પડી હતી. 
આ ગાળામાં લગભગ તમામ કાચી સામગ્રીના ભાવમાં સતત વધારો થવાના કારણે કંપનીના તમામ પ્રોડક્ટ્સના બિઝનેસના ગ્રોસ માર્જિન ઉપર વિપરીત અસર પડી હતી. આ વધારાની અસર ઓછી કરવા માટે ગયા નવેમ્બર અને ડિસેમ્બર માસમાં વિવિધ ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યે હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
કંપનીનો કુલ ખર્ચ ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂા. 7220.29 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 5214.88 કરોડ થયો હતો.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer