એચયુએલનો ચોખ્ખો નફો ત્રીજા ત્રિમાસિકમાં 17 ટકા વધી રૂા. 2243 કરોડ થયો

એચયુએલનો ચોખ્ખો નફો ત્રીજા ત્રિમાસિકમાં 17 ટકા વધી રૂા. 2243 કરોડ થયો
કંપનીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માર્કેટ શૅર વધાર્યે
મુંબઈ, તા. 20 : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવરનો  ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 17 ટકા વધી રૂા.2,243 કરોડ થયો હતો. એક વર્ષ પહેલાં સમાન ગાળામાં કંપનીએ રૂા.1,921કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કોરોના મહામારી સંબંધિત નિયંત્રણો દરમિયાન કંપનીનો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માર્કેટ શૅર વધ્યો છે. 
કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે જેના કારણે તેની સ્પર્ધાત્મકતા અને નફા શક્તિમાં વધારો થયો હોવાનું કંપનીએ જણાવ્યું છે. કંપનીના તમામ બિઝનેસ ફન્ડામેન્ટલ મજબૂત રહ્યા છે અને તેના શહેરી અને ગ્રામીણ માર્કેટ શૅરમાં વધારો થયો છે જ્યારે વૉલ્યુમમાં બે ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીનો શૅર આજે સત્રના અંતે બીએસઇમાં બે ટકા ઘટીને રૂા.2,261.60ના સ્તરે બંધ રહ્યો હતો.  
કાચા માલના ભાવમાં સતત થયેલા વધારા અને બજારોમાં મધ્યમ વિકાસનો માહોલ હોવા છતાં કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મજબૂત દેખાવ કર્યો છે અને પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો હોવાનું કંપનીના ચૅરમૅન અને એમડી સંજીવ મહેતાએ પરિણામો બાદ જણાવ્યું હતું. 
નજીકના સમયમાં કંપનીનો સંચાલનનો માહોલ પડકારજનક રહેશે અને આ માહોલ વચ્ચે કંપનીના બિઝનેસને સતત વધારવાના અમારા પ્રયાસ આગળ જતાં ચાલુ જ રહેશે અને માર્જિનના ગાળાને પણ તંદુરસ્ત રાખવામાં આવશે, એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer