ખંડણી કેસમાં પરમબીરના સહઆરોપીને જામીન

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : ગોરેગામ પોલીસે મુંબઈના માજી પોલીસ કમિશનર સામે ફાઈલ કરેલા ખંડણીના કેસમાંના સહ આરોપી વિનય સિંહને સ્પેશિયલ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. કોર્ટે આરોપીને પર્સનલ બોન્ડ અને 30 હજારની સિકયોરિટી પર છોડવાનો હુકમ કર્યો હતો. 
વિનય સિંહ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને તેમણે દર સોમવારે સવારે દસથી બારની વચ્ચે ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. તેઓ કોર્ટની પરવાનગી વગર મુંબઈની બહાર પણ જઈ નહીં શકે. કોર્ટે જામીનની અન્ય શરતો પણ મુકી હતી. 
અગાઉ વિનય સિંહની આગોતરા જામીનની અરજી સેશન્સ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી હતી. સુપ્રીમ કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરતા એમ કહ્યું હતું કે તેઓ જો નીચલી કોર્ટમાં સરન્ડર થઈને જામીન માગશે તો કોર્ટ એનો વહેલી તકે યોગ્ય ફેંસલો આપશે. વિનય સિંહની 16 ડિસેમ્બર 2021ના ધરપકડ કરવામાં આવી હતી. 
કોર્ટમાં વિનય સિંહના વકિલોએ એવી દલીલ કરી હતી કે આ કેસમાં પોલીસમાં ફરિયાદ નોંધાવનારનો ભૂતકાળ જ ખરડાયેલો છે. થાણેમાં ફરિયાદી સામે ખંડણીનો કેસ રજિસ્ટર થયો છે તો પણ અત્યાર સુધી પોલીસે તેની ધરપકડ કરી નથી 
પોલીસના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફરિયાદ બાદ વિનય સિંહ ફરાર થઈ ગયા હતા. પરમબીર અને ડિસમિસ પોલીસ અૉફિસર સચિન વાઝે માટે આરોપી વસૂલીનું કામ કરતો હતો એવા નિવેદનો છે. અત્યારે આ ખંડણી કેસની તપાસ મહત્ત્વના તબક્કે હોવાથી વિનય સિંહને જામીન આપવા ન જોઈએ.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer