ઉદ્ધવ સરકારની પ્રચાર ઝુંબેશ અધિકારીઓના અભાવે લટકી પડી

અમારા પ્રતિનિધિ તરફથી 
નવી મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે તાજેતરમાં સત્તાના બે વર્ષ પૂર્ણ કર્યા અને બે વર્ષના ગાળામાં વિકાસ અને લોકકલ્યાણના જે કામો થયા છે એની માહિતી લોકોને આપવા વિશેષ પ્રચાર ઝુંબેશ શરૂ કરવા માટે 16.53 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગમાં કર્મચારીઓની ખેંચ અને ટોચના અધિકારીઓના સ્થાન ખાલી પડ્યા હોવાથી આ ઝુંબેશ કેવી રીતે ચલાવવી એ વિશે પ્રશ્નો ઊભા થયા છે. 
કેન્દ્રમાં ભાજપની મોદી સરકારને સાત વર્ષ પૂર્ણ થયા છે અને આ ગાળામાં જે વિકાસ અને લોકકલ્યાણકારી કામો થયા છે એની માહિતી લોકોને આપવા દર વર્ષે કરોડોનો પ્રસિદ્ધિ પાછળ ખર્ચ કરાય છે. જોકે, નવેમ્બર 2021ના બે વર્ષ પૂર્ણ કરનાર ઉદ્ધવ સરકાર પ્રસિદ્ધિની બાબતમાં સહેજ ઉદાસીન છે. રાજ્ય સરકારે એના માહિતી અને જનસંપર્ક વિભાગ તરફ જોઈએ એવું ખાસ ધ્યાન પણ આપ્યું નથી. માહિતી અને જનસંપર્ક વિભાગના મહાસંચાલક દિલીપ પાંઢરપટ્ટેની 22 ડિસેમ્બરના અચનાક બદલી કરવામાં આવી હતી અને આ ખાતાનો વધારાનો કાર્યભાર ઍરપોર્ટ અૉથોરિટીના વ્યવસ્થાપકીય સંચાલક દીપક કપૂરને સોંપવામાં આવ્યો હતો. 
આ બદલીને એક મહિનો થઈ ગયો છતાં સરકાર આ વિભાગ માટે સ્વતંત્ર અધિકારીની નિમણૂક કરી શકી નથી. એ સિવાય આ વિભાગમાં બે સંચાલકોની જગ્યા પણ મહિનાઓથી ખાલી પડી છે તથા વિભાગીય અને જિલ્લા સ્તરે 35થી 40 ટકા કર્મચારીઓના પદો ખાલી છે. 
માહિતી અને જનસંપર્ક વિભાગે પ્રચાર ઝુંબેશનો પ્રસ્તાવ રાજ્ય સરકાર સમક્ષ 23 નવેમ્બર, 2021ના રજૂ કર્યો હતો. આ વિશે કોઈ નિર્ણય ન લેવાતાં 21 ડિસેમ્બર, 2021ના ફરીથી આ પ્રસ્તાવ સરકાર સમક્ષ મુકવામાં આવેલો. સરકારે આખરે અઢી મહિના પછી આ પ્રચાર ઝુંબેશના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હવે 16.53 કરોડનો મંજૂર થયેલો ખર્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ખેંચને કારણે કેમ વાપરવો એ પ્રશ્ન ઊભો થયો છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer