મહાપેમાં 21 એકર જમીન ઉપર સ્થપાશે જ્વેલરી પાર્ક

રૂા. 20,000 કરોડના મૂડીરોકાણ અને રોજગારીની એક લાખ તકોનું લક્ષ્ય
એમ.આઈ.ડી.સી. અને ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ વચ્ચે કરાર ઉપર સહી સિક્કા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 20 : રોજગારીની એક લાખ તકો અને રૂા. 20,000 કરોડના મૂડીરોકાણના લક્ષ્ય સાથે મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલએ નવી મુંબઈમાં મહાપે ખાતે ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ સ્થાપના કરાર ર્ક્યા છે. આ કરાર હેઠળ મહાપેની જમીન `ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ'ને 95 વર્ષની લીઝ ઉપર અપાશે.
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર સત્તા ઉપર હતી ત્યારે આ જ્વેલરી પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ ઘડવામાં આવ્યો હતો. હવે શિવસેનાના વર્ચસ હેઠળની અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર સત્તા ઉપર છે ત્યારે આ પ્રસ્તાવને અંતિમરૂપ આપીને જમીનની ફાળવણી કરવામાં આવી છે. નવી મુંબઈમાં મહાપેમાં 21.3 એકર જમીન ઉપર આ જ્વેલરી પાર્ક સ્થપાશે. તેમાં જેમ અને જ્વેલરીના લગભગ એક હજાર કરતાં પણ વધારે એકમો હશે. મહાપેના પરિસરમાં કારીગરો માટે પરવડે એવી કિંમતે ઘરો બાંધવામાં મહારાષ્ટ્ર સરકાર મદદ કરશે. આ પાર્કમાં કામદારોને તાલીમ અને પ્રશિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ માટે મહારાષ્ટ્ર સરકાર શક્ય બધો સહકાર આપશે. ઉપરાત પ્રકલ્પ સ્થાપવાની વિવિધ મંજૂરીઓ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકાર `વન વિન્ડો ક્લીયરન્સ'ની સુવિધા પૂરી પાડશે.
આ પાર્કમાં 23 લાખ ચોરસફૂટ કરતાં પણ વધારે કારપેટ એરિયા ઉપલબ્ધ થશે. તેમાં મધ્યમ અને મોટા ઉત્પાદન એકમોને માટે 2672 ચો.ફૂટથી 5273 ચો.ફૂટ સુધીના ગાળા ઉપલબ્ધ થશે.
આ `પાર્ક' ભારતના જ્વેલરી ક્ષેત્રની કાયાપલટ કરશે. રત્ન અને દાગીના તૈયાર કરવા માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થતાં ભારત જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વની બજારમાંની સ્પર્ધામાં વધુ સક્ષમ બનશે.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલએ મહાપેમાં પાર્ક સ્થાપવા `ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ'ના નામે ખાસ કંપની (સ્પેશિયલ પરપજ વેહિકલ)ની સ્થાપના કરી છે. આ કંપની `પાર્ક' સ્થાપવાની કામગીરી એમઆઈડીસી, ડિરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ, કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારની સાથે મળીને પાર્ક સ્થાપશે.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલિન શાહે જણાવ્યું હતું કે એમઆઈડીસી સાથે જમીનના લીઝ અંગેના કરાર સાથે ઈન્ડિયા જ્વેલરી પાર્ક સ્થાપવાની પ્રક્રિયાના શ્રીગણેશ થયા છે. આ પ્રકલ્પ રૂા. 20,000 કરોડનું મૂડીરોકાણ આકર્ષશે. રોજગારીની લગભગ એક લાખ તકો ઊભી કરશે, એમ કોલિન શાહે ઉમેર્યું હતું.
ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈના અધ્યક્ષ કિરીટ ભણશાલીએ જણાવ્યું હતું કે આ ઈન્ડિયા જ્વેલરી પાર્ક ચીન, તુર્કી, ઈટલી અને થાઈલૅન્ડમાંના તેના સમાન પ્રકલ્પોમાં પણ સીમાચિહનરૂપ બની રહેશે. આ પ્રકલ્પ માટે જમીન ફાળવણીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ ખાસ ધ્યાન આપીને મદદ કરી છે, એમ ભણશાલીએ ઉમેર્યુ હતું.
જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપાધ્યક્ષ વિપુલ શાહે જણાવ્યું હતું કે ઉત્પાદકો માટે કારીગરો માટે સોનાની હાનિ ખૂબ જ ચિંતાનો વિષય હોય છે. ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈમાં અત્યાધુનિક યંત્રો અને માળખાકીય સગવડોને કારણે સોનાની હાનિનું પ્રમાણ દસ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં મદદ મળશે. સોનાના રજકણોને સકશન અને ડ્રેનેજ સિસ્ટમ દ્વારા પાછા મેળવી લેવાશે, એમ શાહે ઉમેર્યું હતું.
આ કરાર ઉપર હસ્તાક્ષર થયા ત્યારે એમઆઈડીસીના સીઈઓ ડૉ. પી. અનબલગન અને જોઈન્ટ સીઈઓ પી. ડી. માલીકનેર તેમ જ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલિન શાહ અને ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈના વડા કિરીટ ભણશાલી ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer