અમેરિકામાં સરકાર 400 મિલિયન એન-95 માસ્ક નિ:શુલ્ક વિતરિત કરશે

રાજેન્દ્ર વોરા તરફથી
લૉસ એન્જલસ, તા. 20: અમેરિકામાં કોવિડ-19ના કેસમાં નિરંતર વધારાથી ચિંતિત જૉ બાયડનની  સરકાર અમેરિકનોને 400 મિલિયન એન-95 માસ્ક નિ:શુલ્ક આપવાનું આયોજન કરી રહી છે. આવતા અઠવાડિયાથી આ અભિયાન શરૂ થશે અને સ્થાનિક ફાર્માસિસ્ટ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નાગરિકો માટે આ માસ્ક નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે.
દેશના સ્ટ્રેટેજિક નેશનલ સ્ટોકપાઈલ દ્વારા આ પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઉપરાંત સરકારે શરૂ કરેલી વૅબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવનારાને `એટ હોમ કોરોના ટેસ્ટ' નિ:શુલ્ક કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરાયો છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકાના ઈતિહાસમાં વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોનું આ સૌથી મોટું વિતરણ હશે. જૉ બાયડને ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, હું જાણું છું કે કેટલાક અમેરિકનોને માસ્ક ખરીદવાનું હંમેશા પરવડતું નથી અને સહેલાઈથી મેળવી શકતા નથી. બાયડને માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટને ફેલાવતો અટકાવવા માસ્ક મહત્ત્વનું સાધન છે. એન-95 માસ્ક વાયરસને ફેલાતો રોકવામાં સૌથી પ્રભાવી છે અને એ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer