મેટ્રો કારશેડ માટે કાંજુર માર્ગ શ્રેષ્ઠ વિકલ્પ છતાં અન્ય સ્થળો પણ વિચારણા હેઠળ : આદિત્ય

વૈકલ્પિક સ્થળ શોધવામાં વિલંબથી ખર્ચ રૂ. 10,000 કરોડ વધ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : રાજ્યના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મૅટ્રો-થ્રીના કારશેડ માટે વૈકલ્પિક સ્થળો પર સક્રિય રીતે વિચારણા કરી રહી છે. પરંતુ કાંજુર માર્ગ આ માટે હજી પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે ત્રણ મૅટ્રો લાઇનોના કારશેડ માટે કાંજુર માર્ગને હબ ગણવામાં આવે છે.
`આખરી મંજૂરી હજી લેવામાં આવી નથી પરંતુ અન્ય સ્થળો પર પણ સરકાર સક્રિય રીતે વિચારણા કરી રહી છે અને તેના પર ચર્ચા થઈ રહી છે', એમ આદિત્યે જણાવ્યું હતું. આ સ્થળ અંગે નિર્ણય લેવામાં વિલંબને કારણે આ પ્રોજેક્ટ એકાદ બે વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે અને ખર્ચ પણ વધી ગયો છે.
2019માં સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકો અને પર્યાવરણવાદીઓના વિરોધને લઈને આરે કૉલોની ખાતેના કારશેડના પ્રોજેક્ટને રદ કર્યો હતો.
12 અૉક્ટોબર 2020ના મુખ્ય પ્રધાને એવી જાહેરાત કરી હતી કે, આ કારશેડ કાંજુર માર્ગ ખસેડવામાં આવશે. જ્યાં સૂચિત પ્લોટની માલિકી રાજ્ય સરકારની છે અને તે મફતમાં પડશે. મૅટ્રો કારશેડ બાંધવા મુંબઈ મૅટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટીને કાંજુર માર્ગની 102 એકર જમીનનું હસ્તાંતરણ કરતા મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક કલેક્ટરના હુકમ પર બૉમ્બે હાઈ કોર્ટે સ્ટે મુકતા કાંજુર માર્ગનો આ પ્લોટ હાથ બહાર જતો રહ્યો હતો અને કારશેડ માટે 33.5 કિલોમીટરની લાઇન પ્લોટ વગરની બની જતા, તેનો સમગ્ર ખર્ચ વધીને 10 હજાર કરોડ સુધી પહોંચી ગયો હતો.
જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે આરે ખાતેના મૅટ્રો-થ્રી કારશેડને રદ કર્યાના બેથી વધુ વર્ષ બાદ પણ શિવસેનાની આગેવાની હેઠળની સરકાર વૈકલ્પિક સ્થળ શોધવામાં નિષ્ફળ રહી છે. 
આ ભૂગર્ભ રેલ પ્રોજેક્ટની કિંમત રૂપિયા 10,000 કરોડ રૂપિયા  જેટલી વધી ગઈ છે અને જાપાનની ધિરાણ એજન્સીના નાણાં પણ ટૂંકમાં ખૂટી જશે. કારણ કે સરકાર કોઈ પગલાં ભરતી નથી. રાજ્ય સરકારે કારશેડનો આ વિવાદ ઉકેલવો જોઈએ અને આ પ્રોજેક્ટને પાટા પર ચઢાવવા કડક સમયમર્યાદા ઘડી કાઢવી જોઈએ. જો આ ડેપો કાંજુર માર્ગ ખાતે ન બનતો હોય તો અન્ય ટેક્નિકલ અને નાણાકીય રીતે સધ્ધર સ્થળને આખરી સ્વરૂપ આપવું જોઈએ.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer