ઇસ્લામાબાદ, તા. 20 : ગુરુવારે બપોરે પાકિસ્તાનનાં લાહોરના લોહારી ગેટ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સંખ્યા હજુ વધી શકે છે. વિસ્ફોટના કારણે આસપાસની દુકાનો અને મકાનોના કાચ તૂટી ગયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું.
દરમિયાન, લાહોરના નાયબ ઇન્સ્પેક્ટર જનરલ અૉફ ઓપરેશન્સ ડૉ. મુહમ્મદ આબિદ ખાને પાકિસ્તાન મીડિયાને જણાવ્યું હતું કે તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટના કારણે જમીનમાં 1.5 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. ઘાયલોને નજીકની મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરરોજ સેંકડો લોકો આ વિસ્તારોની મુલાકાત લે છે. વેપારીઓની અનેક પ્રકારની બજારો અને ઓફિસો પણ છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. મેયો હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાં ચારની હાલત ગંભીર છે. ડોકટરોની ટીમ તેનો જીવ બચાવવા તમામ પ્રયાસો કરી રહી છે. અમારી ટીમ અન્ય ઘાયલોની સારવારમાં પણ લાગેલી છે.
Published on: Fri, 21 Jan 2022