બેસ્ટમાં ખુદાબક્ષ પ્રવાસીઓ વધ્યા

બેસ્ટમાં ખુદાબક્ષ પ્રવાસીઓ વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોકલ ટ્રેનોની જેમ હવે `બેસ્ટ'ની બસોમાં પણ ટિકિટ વગર પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. કોરોના પ્રતિબંધોમાં શિથિલતા, પ્રવાસીઓની વધેલી સંખ્યા અને કન્ડક્ટર વગર દોડતી બસોનો ગેરલાભ ખુદાબક્ષ મુસાફરો લઈ રહ્યા છે. 2021માં 23,972 પ્રવાસી ટિકિટ વગર પ્રવાસ કરતા પકડાયા હતા.
અનેક પ્રવાસી હાથ દેખાડીને પોતાની પાસે પાસ હોવાનો ડોળ કરીને નીકળી જવાનો પ્રયત્ન કરે છે. ભીડવાળી બસમાં ચડીને ઘણા દરવાજા પાસે ઊભા રહીને ટિકિટ કાઢ્યા વગર જ સ્ટૉપ પર ઊતરવાનો પ્રયત્ન કરે છે. ધસારાના સમયે ઘણા જાણીજોઈને ટિકિટ કાઢતા નથી. `બેસ્ટ' પ્રશાસને શરૂ કરેલી કન્ડક્ટર વગરની બસનો ગેરલાભ પણ ઘણા પ્રવાસી લે છે. બસ સ્ટૉપ પર ઊભેલા કન્ડક્ટરની નજર ચૂકવીને ઘણા બસમાં ચડી જાય છે અને વગર ટિકિટે પ્રવાસ કરે છે. તો ઘણીવાર બસ સ્ટૉપ પર ટિકિટ આપવા માટે કન્ડક્ટર નહીં હોવાથી છેલ્લા સ્ટૉપ સુધી પ્રવાસીને ટિકિટ ઉપલબ્ધ થતી નથી. આથી પણ ટિકિટ વગર પ્રવાસ કરનારાની સંખ્યામાં વધારો થાય છે.
`બેસ્ટ' પ્રશાસન ટિકિટચેકર દ્વારા ખુદાબક્ષ પ્રવાસીઓને પકડીને દંડ વસૂલ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દરેક વખતે એ શક્ય હોતું નથી. ટિકિટચેકર દ્વારા કરેલી કાર્યવાહીમાં 2020માં 11,469 પ્રવાસી ટિકિટ વગર પ્રવાસ કરતાં પકડાયા હતા. 2021માં 23,972 પ્રવાસી ટિકિટ વગર પ્રવાસ કરતા પકડાયા હતા. તેમની પાસેથી લાખો રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 14,30,580 રૂપિયા દંડ પેટે વસૂલ કરાયા હતા. એ પહેલાંના વર્ષે 6,53,000 રૂપિયા દંડ તરીકે વસૂલ કરાયા હતા.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer