સુરત નજીક પલસાણાની મિલમાં ભીષણ આગ

સુરત નજીક પલસાણાની મિલમાં ભીષણ આગ
ત્રણનાં મૃત્યુ, 150થી વધુ કારીગરોનો આબાદ બચાવ
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 20 :  સુરત નજીકના પલસાણામાં આજે વહેલી પરોઢે સોમિયા પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ (મિલમાં) અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે મિલમાં કારીગરોમાં ભાગદોડ મચી હતી. આગમાં ત્રણ મિસ્ત્રીનાં કરુણ મોત નિપજ્યાં હતાં અને 150થી વધુ કારીગરો મિલની બહાર આવી ગયા હતા. તેમનો આબાદ બચાવ થયો હતો.   
વહેલી સવારે  મિલમાં લાગેલી આગના કારણે પ્રથમ પલસાણા, કામરેજ ગ્રામ્ય ફાયર વિભાગ આવી ગયું હતું અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો અને સુરત મહાનગર પાલિકાના 2 મોટર  વોટર બાઉઝર  સહિત 2 વોટર ટેન્કરો, સાથે કામરેજ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. આ આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચાલુ કર્યો હતો. ત્યારબાદ બારડોલી, વ્યારા, નવસારી, બિલિમોરા, ગણદેવીનાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી આવ્યાં હતાં અને તમામ ફાયર વિભગોની ટીમે સતત 12 કલાકથી વધુ પાણીનો મારો ચલાવ્યો હતો બાદમાં આગ કાબૂમાં આવી હતી. હાલ મોડી  સાંજ સુધી મિલમાં કૂલિંગ કામ ચાલી રહ્યું હોવાનું કામરેજના આરએફઓ પ્રજ્ઞેશ ગઢવીએ જણાવ્યું હતું કે આગ કાબૂમાં આવી ગઈ છે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer