મુંબઈમાં 53,203 ટેસ્ટમાં મળ્યા 5708 કોરોના સંક્રમિતો, 12નાં મૃત્યુ

મુંબઈમાં 53,203 ટેસ્ટમાં મળ્યા 5708 કોરોના સંક્રમિતો, 12નાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં કોરોનાના 46,197 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 5708 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 10,23,707 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 22,103 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. ગુરુવારે જે નવા દરદી મળ્યા હતા. એમાંથી માત્ર 550 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 
છેલ્લાં 24 કલાકમાં 12 કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,500 પર પહોંચી ગયો હતો.  શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 15,440 દરદીઓને રજા આપવામાં આવી હતી.
મુંબઈમાં અત્યારે 44 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 53,203 ટેસ્ટ કરવામાં આવી હતી.  
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 38,093 બૅડમાંથી અત્યારે માત્ર 4857 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 12.70 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. ગુરુવારે મળેલા નવા દરદીમાંથી 79 નવા પેશન્ટોને અૉક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 4795 (84 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાંથી ગુરુવારે કોરોનાના નવા 46,197 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,71,757 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,58,569 દરદી સારવાર હેઠળ છે. 
બુધવારે રાજ્યમાંથી 43,697, મંગળવારે 32,824, સોમવારે 31,111, રવિવારે 41,327 અને શનિવારે 43,211 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 37 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,025 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં 24,21,501 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 3391 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.  
થાણે શહેરમાંથી 1064 અને નવી મુંબઈમાં 1300 નવા કેસ
ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 492 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 1064 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 1300, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 526, ઉલ્હાસનગરમાંથી 96, ભિવંડી-નિઝામપુરમાંથી 42, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 311, પાલઘર જિલ્લામાંથી 333, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 352, રાયગઢ જિલ્લામાંથી 910 અને પનવેલ શહેરમાંથી 920 નવા કેસ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનના 214 નવા કેસ મળ્યા, પુણે હોટસ્પોટ 
 ગુરુવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાયરસના 125 નવા કેસ મળ્યા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાયરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 2199ની છે. 1144 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
મુંબઈમાંથી અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 687 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી એરપોર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે. 
રાજ્યમાં 95 ટકા બૅડ ખાલી 
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગુરુવારે કહ્યું હતું કે રાજ્યનો પોઝિટિવિટી રેટ 23.5 ટકા છે, પણ રાયગઢ, પુણે, નાશિક અને નાંદેડ જેવા જિલ્લાનો પોઝિટિવિટી રેટ વધુ છે. પોઝિટિવિટી રેટ વધુ હોવા છતાં દરદીઓને હોસ્પિટલમાં ભરતી કરવાનો દર એકદમ ઓછો છે અને રાજ્યમાં 95 ટકા બૅડ ખાલી પડ્યા છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer