અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ અૉફિસના માજી ચીફ સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડ (72)એ બુધવારે મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિક સામે કોર્ટના અવમાનની અરજી ફાઈલ કરી હતી. અરજીમાં તેમણે એવો દાવો કર્યો છે કે અમારા પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન ન કરવાની નવાબ મલિકે હાઈ કોર્ટને સાત ડિસેમ્બર, 2021ના જે ખાતરી આપી હતી એનો તેમણે ઈરાદાપૂર્વક ભંગ કર્યો હતો.
જ્ઞાનદેવ વાનખેડે નિવૃત્ત સરકારી અધિકારી છે અને તેઓ જૂન 2007ના એક્સાઈઝ વિભાગમાં સિનિયર પોલીસ ઈન્સ્પેકટર પદેથી રિટાયર થયા હતા. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પક્ષના મુંબઈ એકમના પ્રમુખ અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદનો ન કરે એ માટે તેમના પર રોક મુકવાની માગણી કરતો ખટલો જ્ઞાનદેવ વાનખેડેએ ગયા વર્ષે દાખલ કર્યો હતો.
જ્ઞાનદેવ વાનખેડેએ તેમની અરજીમાં કહ્યું છે કે નવાબ મલિકે 10 ડિસેમ્બરના હાઈ કોર્ટમાં સોગંદનામુ નોંધાવી બિન-શરતી માફી માગી હતી અને હાઈ કોર્ટે પણ એ માફીનો સ્વિકાર કરતો ઓર્ડર પણ આપ્યો હતો. જોકે, તેમણે બીજી અને ત્રીજી જાન્યુઆરીના આ ઓર્ડરનો ભંગ કર્યો હતો.
આ અરજીની હજી સુનાવણી થવાની બાકી છે. નવાબ મલિકે કરેલા અમુક નિવેદનો પણ અરજીમાં ટાંકવામાં આવ્યા છે.
Published on: Fri, 21 Jan 2022
સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે કોર્ટના અવમાનની અરજી કરી
