કોરોનાની ત્રીજી લહેરનો તરખાટ; નવા 3.17 લાખ સંક્રમિતો

કોરોનાની ત્રીજી લહેરનો તરખાટ; નવા 3.17 લાખ સંક્રમિતો
ગુજરાતમાં રેકર્ડ બ્રેક નવા 24,485 મામલા : મુંબઈ-દિલ્હીમાં રાહત
નવી દિલ્હી, તા. 20 : મહામારીનો અંત નજીક છે તેવાં આશ્વાસન વચ્ચે અત્યારે તો ઉચાટ વધારાતા આંકડા સામે આવી રહ્યા છે. ભારતમાં આઠ મહિના બાદ રોજ સામે આવતા નવા દર્દીઓની સંખ્યા ગુરુવારે ત્રણ લાખને આંબી ગઇ હતી. કર્ણાટકમાં આજે એક જ દિવસમાં 47 હજારથી વધુ 47,754 નવા દર્દી સામે આવ્યા હતા, તો કેરળમાં 46,387 નવા દર્દી આજે નોંધાયા હતા. રાજધાની દિલ્હીમાં સંક્રમણ ઘટી રહ્યું છે. આજે 12,306 નવા દર્દી નોંધાયા હતા. 
ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા ગઇકાલ બુધવારની તુલનાએ 3.63 ટકાના વધારા સાથે 9287 પર પહોંચી      ગઇ છે. તો ગુજરાતમાં પણ કોરોનાનો હાહાકાર મચ્યો છે અને નવા વિક્રમી 24485 કેસ નોંધાયા છે. 
દેશમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 3,17,532 નવા દર્દી સામે આવતાં કુલ દર્દીઓનો આંક 3.82 કરોડને પાર કરીને 3,82,18,773 પર પહોંચી ગયો છે.
આજે 93,051 કેસના ઉછાળા બાદ સારવાર લેતા સંક્રમિતોની સંખ્યા 19.24 લાખને આંબી 19,24,051 થઇ ગઇ છે. દેશમાં આજની તારીખ સુધી ક્લુ 3.57 કરોડથી વધુ 3,57,97,214 દર્દી સંક્રમણમુક્ત થઇ ચૂકયા છે.
સક્રિય કેસોનું પ્રમાણ વધીને 5.03 ટકા થઇ ગયું છે. તો સાજા થતા દર્દીઓનો દર  અર્થાત રિકવરી રેટ ઘટીને 93.09 ટકા થઇ ગયો છે. આજના આંકડાઓ પર નજર કરતાં ખાસ ઊડીને આંખે વળગે તેવી રાહતરૂપ બાબત એ બની છે કે, દેશમાં એક જ દિવસમાં પહેલીવાર બે લાખથી વધારે 2,23,990 દર્દી સાજા થયા હતા.
દેશમાં ગુરુવારે વધુ 491 દર્દીને કોરોનાએ કાળનાં મુખમાં ધકેલી દેતાં કુલ 4,87,693 દર્દી જીવ ખોઇ ચૂકયા છે.
દેશમાં રસીના અપાયેલા ડોઝનો આંક 160 કરોડને આંબી ગયો છે.
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer