મુખ્ય પ્રધાન ઠાકરેએ આપી મંજૂરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ગુરુવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે એકથી નવ ધોરણની સ્કૂલો 24 જાન્યુઆરીથી ખોલવાની પરવાનગી આપી છે. સ્કૂલ શિક્ષણ વિભાગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલાવેલા પ્રસ્તાવને મંજૂરી આપતા શાળા હવે સોમવારથી શરૂ થશે. લેખિત આદેશ શુક્રવાર સુધીમા બહાર પાડવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, વાલીઓ, શૈક્ષણિક એક્ટિવિસ્ટોએ સ્કૂલો બંધ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમની એવી દલીલ હતી કે સ્કૂલો બંધ કરાશે તો વિદ્યાર્થીઓ પર એની વિપરિત અસર પડશે.
મુંબઈમાં પાલિકાએ 31 જાન્યુઆરીથી એકથી નવ ધોરણ સુધીના વર્ગો બંધ કરવાની સૂચના આપી હતી. જોકે, મુંબઈમાં ઓમિક્રોનના કેસો કાબુમાં આવતા અને નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળતા અધિકારીઓએ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
શિક્ષણ ક્ષેત્રના સિનિયર એક્ટિવિસ્ટે કહ્યું હતું કે સરકારે મૉલ અને હોટેલો ચાલુ રાખ્યા છે ત્યારે સ્કૂલો બંધ કરવાનો કોઈ મતલબ નહોતો. એકથી ચાર ધોરણના વિદ્યાર્થીએ કેળવણીનું કૌશલ્ય, સામાજિક બંધન શીખે એ જરૂરી છે અને એ સ્કૂલમાં હાજર રહીને જ શીખી શકાય છે.
મુંબઈ મહાપાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ ચહલે આજે જાહેરાત કરી છે કે આવતા સોમવારથી મુંબઈમાં પૂર્વ પ્રાથમિક સ્તરથી માંડીને 12 ધોરણ સુધીના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જશે.
Published on: Fri, 21 Jan 2022
મહારાષ્ટ્રમાં સોમવારથી ફરી જુનિયર કૉલેજ સુધીની સ્કૂલો ખૂલશે
