ભારતને બદનામ કરવાનાં કાવતરાં નિષ્ફળ કરવા વડા પ્રધાનની હાકલ

ભારતને બદનામ કરવાનાં કાવતરાં નિષ્ફળ કરવા વડા પ્રધાનની હાકલ
`આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમનો શુભારંભ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : આઝાદી કે અમૃત મહોત્સવને સમર્પિત બ્રહ્માકુમારીઝના કાર્યક્રમ `આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ વર્ચ્યુઅલ સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે ભારતની વૈશ્વિક છબિ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માત્ર રાજનીતિ છે એમ કહી એને ગાલીચા નીચે ઢાંકી શકાય નહીં, આ આપણા દેશની પ્રતિષ્ઠાનો સવાલ છે. આપણે એને નિષ્ફળ બનાવીશું એવી હાકલ તેમણે કરી હતી.
વડા પ્રધાને એમ પણ કહ્યું કે, ભારત વિરોધી પ્રચારનો મુકાબલો કરવામાં બ્રહ્માકુમારી અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કેવી ભૂમિકા ભજવી શકે છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે વિભિન્ન દેશોના લોકોને યોગ્ય જાણકારી પહોંચાડી શકાય. ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓ વિરુદ્ધ લડવાની આપણા સૌની ફરજ હોવાનું મોદીએ જણાવ્યું હતું. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બ્રહ્માકુમારી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત એક વરસ ચાલનારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આના અંતર્ગત 30 કરતાં વધુ અભિયાન અને પંદર હજારથી વધુ કાર્યક્રમો સામેલ છે. કાર્યક્રમ દરમિયાન ગ્રેમી એવૉર્ડ વિજેતા રિકી કેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત ગીત પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને બ્રહ્માકુમારીના સાત કાર્યક્રમને લીલી ઝંડી દાખવી હતી. જેમાં માય ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત - આત્મનિર્ભર કિસાન, વુમન-ફ્લૅગ બેરર્સ, પાવર અૉફ પીસ બસ અભિયાન, અનદેખા ભારત સાયકલ રૅલી, યુનાઇટેડ મોટર બાઇક અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હરિત ભારતનો સમાવેશ થાય છે. 
વડા પ્રધાને કહ્યું કે, દેશને સૌના સહકાર અને પ્રયાસોની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એક એવી પ્રણાલી વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવને કોઈ સ્થાન ન હોય અને સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર ઊભી હોય. 
નરેન્દ્ર મોદીએ નારી શક્તિ અને મહિલા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરતાં કહ્યું, રાણી લક્ષ્મીબાઈ, કિત્તુર ચેનમ્મા, અહિલ્યાબાઈ હોલકર, સાવિત્રીબાઈ ફુલેએ ભારતની ઓળખને જાળવી. તેમણે કહ્યું કે, દેશની લોકશાહીમાં મહિલાઓની ભાગીદીરી વધી રહી છે. બેટી બચાઓ બેટી પઢાઓની સફળતા અંગે જણાવતાં તેમણે કહ્યું, આ યોજનાને કારણે સેક્સ રેશિયોમાં સુધારો થયો અને આ નવા ભારતનો એક સ્પષ્ટ સંકેત છે. 
Published on: Fri, 21 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer