ટેક્સ્ટાઇલ પીએલઆઈ 2.0 સ્કીમ ગાર્મેન્ટ-એપરલ ક્ષેત્રને અનુરૂપ ઘડવામાં આવશે

ટેક્સ્ટાઇલ પીએલઆઈ 2.0 સ્કીમ ગાર્મેન્ટ-એપરલ ક્ષેત્રને અનુરૂપ ઘડવામાં આવશે
ગાર્મેન્ટ્સ ક્ષેત્રમાં રોકાણ ઓછું, ઊંચું ટર્નઓવર અને રોજગારની સૌથી વધુ તકો
નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટેની પ્રોડક્શન લીન્કડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) 2.0 સ્કીમ માત્ર ગાર્મેન્ટ અને એપરલ પૂરતી મર્યાદિત રાખવામાં આવે એવી શક્યતા છે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પીએલઆઈ સ્કીમની દ્વિતીય એડીશનમાં પ્રોડક્ટ કવરેજ હજી નક્કી કરવા બાકી છે. પીએલઆઈ-2 સ્કીમને ગાર્મેન્ટ-એપરલ પૂરતી સીમિત રાખવાનું સરકાર ગંભીરપણે વિચારી રહી છે. ગાર્મેન્ટ્સમાં રોજગારની સૌથી વધુ તકો ઊભી થાય છે. આથી લઘુતમ રોકાણની જરૂરિયાત સ્કીમની પાત્રતા માટે ઘટાડી રૂા. 40થી 50 કરોડ કરાય અને લઘુતમ ટર્નઓવરની જરૂરિયાત ઘટાડી રૂા. 100 કરોડની કરાય તેવી શક્યતા છે. આમ છતાં આ બાબત હજી સરકારની વિચારણા હેઠળ છે.
ટેક્નિકલ ટેક્સ્ટાઇલ્સમાં મૂડીરોકાણ ઘણું થાય છે. ટેક્સ્ટાઇલ્સની ઇન્ટીગ્રેટેડ વેલ્યુ ચેઇનમાં વીવીંગ, સ્પીનિંગ, પ્રોસેસિંગ જેવા વિભાગો આવતાં હોવાથી ત્યાં મૂડીરોકાણ ઘણું થાય છે. આની સામે રેડીમેઇડ ગાર્મેન્ટ્સમાં મૂડીરોકાણ ઘણું ઓછું થાય છે. આ એક દરજીકામ છે જેમાં શેડ અને સીવવાના સંચાની જ જરૂરત પડે છે. સામાન્યત: 1000 સીવવાના મશીનો માટેની કોસ્ટ રૂા. 40 કરોડ જ થાય છે. વળી ગાર્મેન્ટ ઉદ્યોગમાં રોજગાર ખાસ કરીને મહિલાઓને વધુ મળે છે.
ટેક્સ્ટાઇલ મંત્રાલયે અત્યાર સુધીમાં સ્કીમ હેઠળ 64 અરજીઓ મંજૂર કરી છે. આમાં સૂચિત કુલ રોકાણ રૂા. 19,798 કરોડ થશે અને સૂચિત ટર્નઓવર રૂા. 1.93 લાખ કરોડ થશે. સ્કીમ હેઠળના ઇન્સેન્ટિવ માટેના બજેટની જોગવાઈ રૂા. 10,683 કરોડની કરાઈ છે. આ રકમ પસંદ કરાયેલા 64 રોકાણકારોને ઇન્સેન્ટિવ ચૂકવ્યા બાદ પણ ઘણી વધશે. આથી વધારાની રૂા. 4000 કરોડની રકમ પીએલઆઈ-2.0 સ્કીમ હેઠળના ઇન્સેન્ટિવ પેટે વાપરી શકાશે.
ટેક્સ્ટાઇલ્સ માટેની પીએલઆઈ-1 સ્કીમ મેન મેઇડ ફાઇબર ફેબ્રિક્સ-એપરલ્સ અને ટેકનિકલ ટેક્સ્ટાઇલ્સ માટે છે. સ્કીમના પ્રથમ ભાગમાં લઘુતમ રોકાણની જરૂરિયાત રૂા. 300 કરોડની અને લઘુતમ ટર્નઓવરની જરૂરિયાત રૂા. 600 કરોડની હોય છે. રોકાણકારને પ્રથમ વર્ષે 15 ટકા ઇન્સેન્ટિવ મળે છે જે પાછલા ચાર વર્ષોમાં ઇન્સેન્ટિવ એકએક ટકો દર વર્ષે ઘટતા જાય છે. બીજા ભાગમાં લઘુતમ રોકાણ રૂા. 100 કરોડ અને લઘુતમ ટર્નઓવરની જરૂરિયાત રૂા. 200 કરોડની હોય છે. પાર્ટ-2માં રોકાણકારને પ્રથમ વર્ષે 11 ટકા ઇન્વેન્ટિવ મળે છે જે પાછલા ચાર વર્ષોમાં દર વર્ષે 1 ટકો ઘટે છે.
64 દરખાસ્તોમાંની મોટા ભાગની દરખાસ્તો પાર્ટ-2માં મંજૂર થઈ છે. સ્કીમ-1ના પાર્ટ-2માં લઘુતમ રોકાણ અને ટર્નઓવરની જરૂરિયાત નીચી હોય છે. હવે આ સ્કીમમાં ગાર્મેન્ટ અને એપરલ ઉત્પાદકોની હિસ્સેદારી વ્યાપક પ્રમાણમાં થાય તે માટેના ધારાધોરણ વધુ સરળ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે પીએલઆઈ સ્કીમ 14 ક્ષેત્રો માટે જાહેર કરી છે. આથી રોજગારની 60 લાખ નવી તકો ઊભી થવાની શક્યતા છે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer