એલઆઈસીના આઈપીઓમાં સરકારે રૂ. 20,560 કરોડનું ભંડોળ મેળવ્યું

એલઆઈસીના આઈપીઓમાં સરકારે રૂ. 20,560 કરોડનું ભંડોળ મેળવ્યું
શૅરોનો ઇસ્યૂ ભાવ રૂ. 949 નક્કી કરાયો
મુંબઈ, તા. 13 : સ્થાનિક રોકાણકારોની મજબૂત માંગ અને વિદેશી ફંડ્સ દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવેલી ખરીદીને પગલે ભારતે તેના અત્યાર સુધીના સૌથી મોટા એલઆઈસીના જાહેર ભરણામાં રૂ. 20,560 કરોડ (2.7 અબજ ડૉલર)નું ભંડોળ મેળવ્યું છે. 
કંપનીએ આજે ફાઈલ કરેલા પ્રોસ્પેક્ટસમાં જણાવ્યું હતું કે, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અૉફ ઇન્ડિયાના શૅરની કિંમત રૂ. 949 નક્કી કરવામાં આવી છે. એલઆઈસીના શૅર રૂ. 902 થી રૂ. 949 ની પ્રાઈસ બેન્ડમાં ઓફર કરવામાં આવ્યા હતા. શૅરબજારમાં તેનું ટ્રાડિંગ 17 મેથી શરૂ થશે. 
એલઆઈસીના ભરણાને સ્થાનિક રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો તેને પગલે તેને દેશની `અરામકો ઘડી` તરીકે ગણવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાની તેલ કંપનીના વર્ષ 2019માં 29.4 અબજ ડૉલરના લિસ્ટિંગના સંદર્ભમાં તેનો ઉલ્લેખ કરાયો છે. એલઆઈસીનું ગજું માત્ર તેના વ્યાપમાં જ નહીં, પરંતુ સ્થાનિક રોકાણકારોની નિર્ભરતામાં પણ અરામકોના આઈપીઓને મળતો આવે છે. કારણ કે કેટલાક વિદેશી રોકાણકારોએ એલઆઈસીના શૅરને ઘણો મોંઘો ગણાવ્યો હતો. શૅરનું સબક્રિપ્શન બંધ થવાના છેલ્લા કલાકોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ચલણના જોખમો અને વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓને કોરાણે મૂકીને તેમની બિડ વધારી દીધી હતી. 
એક અહેવાલ અનુસાર, એલઆઈસીએ દેશના સૌથી મોટા આઈપીઓ તરીકે દેશમાં વિક્રમ નોંધાવ્યો છે અને તે સાથે આ ઓફર આ વર્ષે વિશ્વની ચોથી સૌથી મોટી ઓફર પણ છે. એલઆઈસી એવા સમયે બજારમાં પ્રવેશી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મૂડીબજારની પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને રોકાણકારોની જોખમ ખમવાની શક્તિ ઓછી થઈ છે. 
જોકે, ગ્રે માર્કેટમાં એલઆઈસીનો આઈપીઓ રૂ. 30ના ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો હોવાના અહેવાલ છે.  
આ ભરણા માટે રિટેલ રોકાણકારો અને એલઆઈસીના પૉલિસીધારકો સૌથી વધુ ઉત્સાહી હતા, તેનું મુખ્ય કારણ એ કે તેમને ભરણામાં ડિસ્કાઉન્ટ ઓફર કરાયું હતું. આ ભરણું લગભગ ત્રણગણું ઓવરસબ્ક્રાઇબ થયું હતું. આ ભંડોળને કારણે સરકારને બજેટ ખાધને દૂર કરવામાં મદદ મળશે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer