એસબીઆઈનો નફો 41 ટકા વધીને રૂા. 9113 કરોડ

એસબીઆઈનો નફો 41 ટકા વધીને રૂા. 9113 કરોડ
નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ): સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયાએ માર્ચ ત્રિમાસિકમાં રૂા. 9113 કરોડનો નફો ર્ક્યો છે, જે વાર્ષિક ધોરણે 41.2 ટકાનો વધારો દર્શાવે છે. બૅન્કે શૅરદીઠ રૂા. 7.10નું ડિવિડન્ડ જાહેર ર્ક્યું છે, જે 10 જૂને ચૂકવાશે. નફાનો વધારો મુખ્યત્વે વ્યાજની આવકમાં થયેલા વધારાને આભારી છે.
ગયે વર્ષે માર્ચ ત્રિમાસિકમાં એસબીઆઈએ રૂા. 6451 કરોડનો નફો ર્ક્યો હતો. અગાઉના, ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં તેનો નફો રૂા. 8432 કરોડ હતો.
બૅન્કોની કમાણીનો આધારસ્થંભ ગણાતી વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ) વર્ષાનુવર્ષ 15.26 ટકા વધીને 31,198 કરોડ થઈ હતી. ડિસેમ્બર 2021 ત્રિમાસિકની તુલનામાં તે 1.6 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ '22 ત્રિમાસિકમાં એસબીઆઈનો એનઆઈએમ 29 બેઝીસ પોઈન્ટ વધીને 3.40 ટકા થયો હતો.
1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ સુધીના મોરેટોરિયમ માટે બૅન્કોએ વ્યાજ પર વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ કે દંડાત્મક વ્યાજ વસૂલ કરવું નહીં એવા સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાએ 2021-22ના વર્ષમાં રૂા. 830 કરોડની વ્યાજની આવક પાછી વાળી હતી, એમ એસબીઆઈનું નિવેદન જણાવે છે.
જોકે એસબીઆઈની કામગીરી બજારની અપેક્ષા કરતાં ઊણી હતી. બજારની અપેક્ષા હતી કે ચોખ્ખો નફો 63-72 ટકા વધીને રૂા. 10,493-11,056 કરોડ જેટલો આવશે. એનઆઈઆઈ વર્ષાનુવર્ષ 19 ટકા અને ત્રિમાસિક ધોરણે પાંચ ટકા વધીને રૂા. 32,100 થવાની બજારની ધારણા હતી.
બૅન્કની લોનોની ગુણવત્તામાં સુધારો થયો હતો. 31 માર્ચે તેની ગ્રોસ એનપીએ 31 ડિસેમ્બરના રૂા. 1.2 લાખ કરોડથી ઘટીને રૂા. 1.12 લાખ કરોડ થઈ હતી. નેટ એનપીએ પણ આગલા ત્રિમાસિકના રૂા. 34,540 કરોડથી ઘટીને રૂા. 27,996 કરોડ થઈ હતી.
કુલ લોનોમાં ગ્રોસ એનપીએનું પ્રમાણ 53 બેઝીસ પોઈન્ટ ઘટીને 3.97 ટકા અને નેટ એનપીએનું પ્રમાણ 32 બેઝીસ પોઈન્ટ ઘટીને 1.02 ટકા થયું હતું.
સ્ટેટ બૅન્કે કુલ રૂા. 7237.45 કરોડની જોગવાઈ કરી છે, જેમાંથી રૂા. 3261.7 કરોડ એનપીએ માટે ફાળવાયા છે. ડિસેમ્બર 2021 ત્રિમાસિકમાં એનપીએ માટે રૂા. 3069 કરોડ ફાળવાયા હતા.
2021-22માં એસબીઆઈની કુલ લોન રૂા. 25.39 લાખ કરોડથી 11 ટકા વધીને રૂા. 28.18 લાખ કરોડ અને ડિપૉઝિટો રૂા. 36.81 લાખ કરોડથી 10 ટકા વધીને રૂા. 40.51 લાખ કરોડ થઈ હતી.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer