ભારતીય પુરુષ બેડમિન્ટ ટીમે ઇતિહાસ રચ્યો

બેંકોક, તા.13: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ કપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 43 વર્ષના લાંબા ગાળા બાદ થોમસ કપના સેમિ ફાઇનલમાં પહોંચી છે અને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધો છે. આ પહેલા વર્ષ 1979માં ભારતીય ટીમ અંતિમવાર સેમિમાં પહોંચી હતી. થોમસ કપમાં કવોલીફાઇ ફોર્મેટમાં ફેરફાર બાદ આ પહેલો મોકો છે કે જયારે ભારતીય ટીમે મેડલ પાકો કર્યોં હોય. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ રોમાંચક કવાર્ટર ફાઇનલમાં મલેશિયા વિરૂધ્ધ 3-2થી યાદગાર જીત મેળવી હતી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ બહાર થઇ ચૂકી છે. પાંચ વખતની ચેમ્પિયન મલેશિયા વિરૂધ્ધ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી-સાત્વિકરાજ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર કિદાંબી શ્રીકાંત, અને એચએસ પ્રણોયને જીત મળી હતી.  કવાર્ટર ફાઇનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર યુવા ખેલાડી લક્ષ્ય સેન વિશ્વ વિજેતા મલેશિયન ખેલાડી લી જી જિયા સામે 21-23 અને 9-21થી હારી ગયો હતો. બીજા મુકાબલામાં ડબલ્સમાં ચિરાગ-સાત્વિકની જોડીએ મલેશિયન જોડીને 21-19 અને 21-1પથી હાર આપીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં અનુભવી શ્રીકાંતે એનજી યોંગને 21-11 અને 21-17થી હાર આપીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. બીજા ડબલ્સ મેચમાં ભારતીય જોડી કૃષ્ણા પ્રસાદ-વિષ્ણુવર્ધનને હાર મળી હતી. આથી સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ણાયક પાંચમા મુકાબલામાં એચએસ પ્રણોયે પર ભારતની તમામ આશા હતી. તેણે મલેશિયાના ખેલાડી હુન હાઓ લેઓંગ વિરૂધ્ધ 21-13 અને 21-8થી શાનદાર જીત મેળવીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડયું હતું.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer