બેરિસ્ટો અને લાવિંગસ્ટોને કર્યા બેંગલોરના બૉલરોના હાલહવાલ, ખડક્યા 209 રન

બેરિસ્ટો અને લાવિંગસ્ટોને કર્યા બેંગલોરના બૉલરોના હાલહવાલ, ખડક્યા 209 રન
રૉયલ ચેલેન્જર્સ સામે પંજાબ ઈલેવન કિંગ
બેંગલોરની બાવન રને હાર
આશિષ ભીન્ડે તરફથી  
મુંબઈ, તા. 13 :  બેરિસ્ટો અને લિવિંસ્ટોનની સ્ફોટક બેટિંગના જોરે પંજાબ કિંગ્સની ટીમે રૉયલ ચેલેન્જર બેંગલોરને 54 રને પરાજય આપ્યો હતો. પંજાબની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 209 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો એના જવાબમાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 155 રન કરી શકી હતી. વિરાટ કોહલી 20 રન નોંધાવી આઉટ થયો હતો અને બેંગલોર તરફથી ગ્લેન મેક્સવેલે સર્વાધિક 35 રન કર્યા હતા. પંજાબ તરફથી રબાડાએ ત્રણ અને રિશિ ધવન અને રાહુલ ચહેરે બે-બે વિકેટ ઝડપી હતી.
મુંબઈ અને ચેન્નઈને બાદ કરતાં બાકીની આઠે આઠ ટીમો પ્લૅઅૉફ્ફમાં સ્થાન બનાવવાની રેસમાં છે, એ વાત અલગ છે કે, બેંગલોર ચોથા સ્થાને છે અને પંજાબનો નંબર આઠમો છે. પોતાની દાવેદારી અકબંધ રાખવા મેદાનમાં ઉતરેલા પંજાબ કિંગ્સે  રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર સામે જોરદાર શરૂઆત કરી 210 રનનો ટાર્ગેટ આપ્યો છે. અૉપાનિંગમાં આવેલા જૉની બેરિસ્ટોએ 21 બૉલમાં અડધી સદી ફટકારી (કુલ 29 બૉલમાં 66) બેંગલોરના બૉલરોને અધમૂઆ કરી નાખ્યા હતા. એ પછીનું અડધું કામ તેના સાથી ઈંગ્લૅન્ડ ખેલાડી લિયામ લાવિંગસ્ટૉને અડધી સદી ફટકારી (કુલ 42 બૉલમાં 70 રન) પૂરું કર્યું હતું. 
આ બંને ટીમો વચ્ચે આ સિઝનમાં રમાયેલી મૅચની બે ઈનિંગ્સમાં કુલ 27 છગ્ગા લાગ્યા હતા, જે આ સિઝનનો વિક્રમ છે. જૉની બેરિસ્ટોએ કરેલી શરૂઆત જોતાં આજે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થશે એવી શક્યતા ઊભી થઈ હતી. પહેલી ત્રણ અૉવરમાં ચાર છગ્ગા ફટકારી બેરિસ્ટોએ પોતાનો આશય સ્પષ્ટ કરી દીધો હતો. એમાંય, દાવની બીજી અૉવરમાં જૉશ હેઝલવૂડને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી કોઈ શંકા હોય તો એ દૂર કરી દીધી હતી. શિખર ધવન વિશે કહેવાય છે કે, છગ્ગા ફટકારી શકતો નથી, પણ આજે બેરિસ્ટોના સંગતની અસર થઈ અને પાંચમી અૉવરના પહેલા દડે મૅક્સવેલને છગ્ગો ફટકાર્યો હતો. જોકે, છેલ્લા દડે તે બૉલ્ડ થયો હતો. શિખરે 15 બૉલમાં 21 રન કર્યા હતા. પાવરપ્લૅની છેલ્લી અૉવરમાં સિરાજને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારી ટીમના સ્કૉરને 83 રન પર પહોંચાડી દીધો હતો અને 21 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. એ પછી તેને સાથ આપવા આવેલા ભનુકા રાજાપક્સાએ પોતાના શ્રીલંકન સાથી વનિન્દુ હસારંગાને ઈનસાઈડ-આઉટ ડ્રાઈવ મારવાના પ્રયાસમાં હર્ષલ પટેલને કૅચ આપી બેઠો હતો. બે શ્રીલંકનો પછી બે ઈંગ્લિશમૅન પીચ પર સાથે આવ્યા હતા, પણ આ બંને પણ ઝાઝો સમય સાથે રહી ન શક્યા અને દાવની દસમી અૉવરના પહેલા દડે બેરિસ્ટો શાહબાઝ અહમદનો શિકાર બન્યો હતો, તેણે 29 બૉલમાં 66 રન કર્યા હતા, જેમાં કુલ ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. બેરિસ્ટોએ કરેલી શરૂઆતને અંજામ સુધી લઈ જવાનું કામ જાણે કે લિયામ લાવિંગસ્ટૉને પોતાના માથા પર લઈ લીધું હોય તેમ ફાંકડી ફટકાબાજી કરી 35 બૉલમાં અડધી સદી ફટકારી હતી. તેણે પહેલા સુકાની મયંક અગરવાલ, જીતેશ શર્મા અને પછી હરપ્રીત બ્રારનો સાથ ગુમાવ્યો હતો. જોકે, ટીમને 200 રનના સીમાચિહ્ન સુધી પહોંચાડવામાં તેનું મહત્ત્વનું યોગદાન હતું. છેલ્લી અૉવરમાં પંજાબની ત્રણ વિકેટો પડી હતી, જેમાં સૌથી પહેલા લાવિંગસ્ટૉન આઉટ થયો હતો. 42 બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી તેણે 70 રન કર્યા હતા. પોતાની પહેલી જ અૉવરમાં માર ખાધા બાદ હર્ષલ પટેલે ચાર અૉવરમાં 34 રન આપી ચાર વિકેટો ખેરવી હતી, તો પોતાના ક્વૉટાની અૉવર્સમાં હસારંગાએ માત્ર 15 રન આપી બે શિકાર કર્યા હતા. ચાર અૉવરમાં 64 અને બે અૉવરમાં 36 રન આપનાર અનુક્રમે હેઝલવૂડ અને મોહમ્મદ સિરાઝ સૌથી ખર્ચાળ સાબિત થયા હતા.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer