પ્લેઅૉફની આશા જીવંત રાખવા હૈદરાબાદનું આજે કોલકાતા વિરુદ્ધ હલ્લાબોલ

પ્લેઅૉફની આશા જીવંત રાખવા હૈદરાબાદનું આજે કોલકાતા વિરુદ્ધ હલ્લાબોલ
પૂણે, તા.13: સળંગ ચાર મેચમાં હાર સહન કરનાર સંઘર્ષરત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલમાં તેની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે શનિવારના મેચમાં હરહાલમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ જીત હાંસલ કરવી પડશે. આ મેચમાં સનરાઇઝર્સે તેની બોલિંગ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર કરવી પડશે. સતત પાંચ જીત સાથે એક સમયે જોરદાર આગેકૂચ કરનાર કેન વિલિયમ્સનની ટીમ પાછલા ચાર મેચ ગુમાવી ચૂકી છે. આથી તેની પ્લેઓફની આશાને ધકકો લાગ્યો છે. હવે તેણે બાકીના ત્રણેય લીગ મેચમાં કરો યા મરોનો જંગ ખેલવો પડશે.તેના ખાતામાં હાલ 11 મેચમાં 10 અંક છે. બીજી તરફ કેકેઆરના 12 મેચમાં 10 અંક છે અને બહાર થવાની કગાર પર છે. શ્રેયસ અય્યરના સુકાનીપદ હેઠળની આ ટીમના હવે ફકત બે મેચ બચ્યા છે. બન્નેમાં જીતથી તેના 14 પોઇન્ટ થઇ શકે છે. જે પ્લેઓફ માટે પર્યાપ્ત રહેશે નહીં, કારણ કે રાજસ્થાન અને બેંગ્લોર 12 મેચમાં 14-14 પોઇન્ટ સાથે ટોચની ચાર ટીમમાં સામેલ છે.
સનરાઇઝર્સની પાછલા મેચમાં હારનું કારણ બે મહત્વના બોલર વોશિંગ્ટન સુંદર અને ટી. નટરાજનનું ઇજાગ્રસ્ત થવું અને સ્પીડસ્ટાર ઉમરાન મલિકનું ખરાબ પ્રદર્શન હતું. સનરાઇઝર્સ સામે પાછલા ચાર મેચમાં હરીફ ટીમોએ 190 પ્લસ સ્કોર બનાવ્યો છે. આથી અંદાજ લગાવી શકયા છે કે મહત્ત્વના તબક્કે જ સનરાઇઝર્સની મુખ્ય તાકાત જે બોલિંગ છે તે નબળી પડી છે. બેટિંગ મોરચે કપ્તાન કેન વિલિયમ્સને સારી જવાબદારી લેવી જરૂરી છે. તે માત્ર એક અર્ધસદી જ કરી શકયો છે. અભિષેક શર્મા ટીમને સારી શરૂઆત આપી રહ્યો છે, પણ આ યુવા બેટધર તેની ઇનિંગને મુકામ સુધી પહોંચી શકતો નથી. રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન અને એડન માર્કરમે પણ હવે મોટી ઇનિંગો રમવી પડશે. 
બીજી તરફ કોલકતાને અંતિમ ઇલેવનમાં વારંવાર મોટા ફેરફારથી નુકસાન થયું છે. જો કે આ ટીમ મુંબઇ સામેની જીત સાથે મેદાનમાં ઉતરશે. જે ટીમ માટે સારી નિશાની છે. પાછલા મેચમાં સાઉધી અને કમિન્સનો સમાવેશ થયો હતો. બન્નેએ મળીને 4 વિકેટ લીધી હતી. કમિન્સ હવે આઇપીએલની બહાર થઇ ગયો છે. જેની કેકેઆરને ખોટ પડશે.છ કેકેઆર તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ઉમેશ યાદવ ઇજાને લીધે પાછલા મેચમાં રમ્યો ન હતો. તે કાલે મેદાનમાં ઉતરશે કે નહીં, તે નિશ્ચિત નથી. આથી સનરાઇઝર્સ સામે કેકેઆરની રાહ મુશ્કેલ છે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer