ખાનગી પ્રવાસી પરિવહન માટે `મૅક્સી કૅબ''ને લાઈસન્સ આપવા સમિતિ નિમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં ખાનગી મૅક્સી કૅબ પરિવહનને લાયસન્સ આપવા અંગેના ધોરણોનો અભ્યાસ કરવા માટે રાજ્ય સરકારે સમિતિ સ્થાપન કરી છે જે ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ખાનગી પરિવહન પર નિયંત્રણ રાખવા અને એના દ્વારા સરકારને આવક મળવા સંદર્ભે સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવશે. 
મહારાષ્ટ્રમાં ખાનગી પ્રવાસી પરિવહન ગેરકાયદે રીતે કરવામાં આવે છે. એમાં ઘણીવાર જગ્યા કરતાં વધુ પ્રવાસીઓને ભરીને જોખમી રીતે વાહન ચલાવવામાં આવે છે. 
એમાં ઘણીવાર અકસ્માત થવાથી લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આથી આ પરિવહન નિયમબદ્ધ કરવા માટે રાજ્યના ટ્રાફિક વિભાગે મૅક્સી કૅબ યોજના હેઠળ ખાનગી પરિવહન માટે નિયમ બહાર પાડવા એક કમિટીની રચના  કરી છે. 
આ કમિટીના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી રામનાથ ઝાની નિમણૂંક કરાઈ છે અને કમિટીના સભ્યપદે પરિવહન આયુક્ત અવિનાશ ઢાકણે, એસટી મહામંડળના અધ્યક્ષ શેખર ચન્ને, એડિશનલ ટ્રાફિક કમિશનર જિતેન્દ્ર પાટીલ અને સદસ્ય સચિવ તરીકે ડેપ્યુટી ટ્રાફિક કમિશનર અભય દેશપાંડેની નિમણૂંક કરાઈ છે.


Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer