ફી ન ભરી શકતા વિદ્યાર્થીઓ માટે ભેગું કર્યું રૂા. એક કરોડનું ભંડોળ

અશકયને શક્ય કરી બતાવ્યું પવઇની સ્કૂલના પ્રિન્સિપાલે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : કોરોના મહામારીની માર્ચ, 2020માં શરૂઆત થઈ અને વાઇરસના ફેલાવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનને કારણે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી અને અનેક બાળકોને ફી ભરી ન શકતા હોવાને કારણે પોતાનું ભણતર છોડવું પડયું. આવા કપરા સમયમાં સમયસૂચકતા વાપરતા પવઇની સ્ટેટ બોર્ડની સ્કૂલના પ્રિન્સિપાલે પોતાના વિદ્યાર્થીઓની ફી ભરવા માટે ભંડોળ ભેગું કરવાની શરૂઆત કરી હતી અને હાલમાં તેઓએ સમાજના અગ્રણીઓ અને બિનસરકારી સંસ્થા દ્વારા રૂા. એક કરોડ જેટલું ભંડોળ ભેગું કર્યું હતું. 
પવઇ ઇંગ્લિશ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શિરલે પિલ્લઇએ જણાવ્યું હતું કે `એક શિક્ષક તરીકે મારી માટે આ બહુ મોટી સિદ્ધિ છે. બાળકોના શિક્ષણ માટે વાલીઓમાં ભયનું વાતાવરણ જોયું ત્યાં સુધી મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું આવું કંઇ કરી શકીશ.' 
કોરનાકાળમાં મીડિયાના અહેવાલોમાં વારંવાર આવતું હતું કે લોકોને નોકરી ગુમાવવી પડી છે અને તેમને બાળકોની ફી ભરવામાં મુશ્કેલી થઈ રહી છે. તે દરમિયાન પિલ્લઇએ કોર્પોરેટ હાઉસ અને અગ્રણીઓ પાસેથી રૂા. 40 લાખ ભેગા કર્યા હતા અને 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે અંદાજે 200 વિદ્યાર્થીની ફી ભરી હતી. ફેબ્રુઆરી સુધી તેઓ રૂા. 90 લાખનું ભંડોળ ભેગું કરવામાં સફળ થયા હતા. તેમ છતાં 2021-22માં પણ વાલીઓને ફી ભરવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. 
`અમે જોયું કે વાલીઓ ફી ભરવામાં હજી પણ અસમર્થ હતા. મેં ફરી દાતાઓના દરવાજા ખખડાવ્યા અને તેનું પરિણામ અદ્ભુત આવ્યું હતું', એમ તેમણે કહ્યું હતું. દાતાઓ પાસેથી રૂા. 61 લાખનું ભંડોળ ભેગું થયું હતું અને 330 વિદ્યાર્થીની ફી ભરવામાં આવી હતી. 
અમુક દાતાઓ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં પણ દાન કરવા તૈયાર છે. અમુક દાતાઓ એકથી બે વિદ્યાર્થીને મદદ કરવા આગળ આવે છે, પણ તે પણ અમારી માટે ઘણું છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer