બાંદ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં દારૂ પીધેલા શખસોએ ત્રાસ ફેલાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ગઈકાલે સાંજે બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનમાં ત્રણ દારૂડિયાઓએ તરખાટ મચાવ્યો હતો. તેમણે બીજા ઉતારુઓની આરક્ષિત બેઠકોનો કબજો લઈને ભયનો માહોલ સર્જ્યો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સે સુરત સ્ટેશને તેમને ડબ્બામાંથી ઉતારી દીધા પછી પ્રવાસીઓને શાંતિ થઈ હતી.
આ માહિતી આપતાં કચ્છ જનજાગૃતિ અભિયાનના પ્રતિનિધિ કિશોર મણિલાલ ગાલાએ જણાવ્યું હતું કે બાન્દ્રાથી ગઈકાલે સાંજે 4:45 વાગ્યે ઉપડેલી બાન્દ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનના એસ-9 ડબ્બામાં બાંદ્રાથી ત્રણ પ્રવાસી ચડયા હતા, જે હિન્દી ભાષી હતા. તેમણે ત્રણ સીટનો કબજો કર્યો હતો. તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા. સીટ પર સૂઈ ગયા હતા. કોઈ એમને સીટ ખાલી કરાવવાનું કહેતા તો દાદાગીરી ટી.સી.એ પણ એમને ટકોર કરી હતી. તેમની બાજુમાં કુસુમ શરદ નાગડા અને શરદ જી. નાગડા (નલિયા) પ્રવાસ કરી રહ્યાં હતાં. દારૂડિયાઓના ત્રાસથી એમણે મને ફોન કર્યો હતો. મેં આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)નો સંપર્ક સાધ્યો હતો અને બધી માહિતી આપી હતી. સુરત સ્ટેશને આરટીએફની ટીમે ડબ્બામાંથી આ ત્રણેય શખ્સોને નીચે ઉતાર્યાં હતાં. સુરત રાતે સાડા નવ વાગ્યા આસપાસ આવ્યું પછી ઉતારુઓને હાસકારો થયો હતો.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer