અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારને હિન્દુ વિરોધી બતાવવા તેમના એક ભાષણને કાપકૂપ કરી અપલોડ કરવા બદલ રાષ્ટ્રવાદી પક્ષના યુવા પાંખના નેતાએ શુક્રવારે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. @bjp4maharashtra નામના ટ્વીટર અકાઉન્ટમાંથી બુધવારે ટુંકો વિડિયો અપલોડ કરવામાં આવેલો. આ વીડિયો પવારના પ્રવચનનો હતો. ટ્વીટમાં એવો દાવો કરાયો છે કે નાસ્તિક પવાર હંમેશાં હિન્દુ ધર્મના વિરોધી રહ્યા છે અને જો તેમણે આવું વલણ અખત્યાર કર્યું ન હોત તો તેઓ રાજકીય રીતે સફળ રહ્યા ન હોત.
જોકે, અમુક ટ્વીટર યુઝરોએ એમ કહ્યું હતું કે શરદ પવારનો આ વિડિયો એડિટ કરાયેલો છે. તેમણે આ પ્રવચન નવ માર્ચના એક સમારંભમાં સાતારામાં આપેલું. વાસ્તવમાં પવારે ત્યારે જવાહર રાઠોડની કવિતાની અમુક પંક્તિ સંભળાવેલી જે જાતીવાદ અને અસ્પૃશ્યતા પર હતી.
યુવા પાંખના રાજ્યના પ્રમુખ સૂરજ ચવ્હાણે ફરિયાદમાં કહ્યું છે કે ચેડાં કરવામાં આવેલો વીડિયો ટ્વીટ પર અપલોડ કરી કોમવાદ પેદા કરવાનો પ્રયાસ કરાયો છે તથા ઈરાદો કાયદા-વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવાનો છે. કાયદાની જોગવાઈ પ્રમાણે ટ્વીટર હેન્ડલ સામે પગલા લેવા જોઈએ.
પવારે ગુરુવારે પત્રકારોને કહ્યું હતું કે શ્રમિક વર્ગની વેદનાનુ વર્ણન કરતી કવિતાનું મે પઠન કર્યું ત્યારનો આ વીડિયો છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકોને ખોટી માહિતી ફેલાવી હોય એ ફેલાવી શકે છે.
ટ્વીટર યુઝર સામે પગલાં લેવા જિતેન્દ્ર આવ્હાડની માગણી
મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડે ટ્વીટર યુઝર સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી. જેણે માઈક્રો બ્લોગ સાઈટ પર લખ્યું હતું કે, `બારામતીના ગાંધી માટે બારામતીના નથુરામ ગોડસેને તૈયાર કરવાનો સમય આવી ગયો છે.'
ટ્વીટર યુઝરે જોકે કોઈ નેતા કે રાજકીય પક્ષનો ઉલ્લેખ કર્યો ન હતો. બારામતી પુણે જિલ્લાનું એક નગર છે અને તે એનસીપીના વડા શરદ પવારનું વતન છે.
ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.
`આ બધું શું થઈ રહ્યું છે, આવા વ્યક્તિ સામે સખત પગલાં ભરો' એમ આવ્હાડે જણાવ્યું હતું.
Published on: Sat, 14 May 2022