31મી મે પહેલાં બધી દુકાનોનાં પાટિયાં મરાઠીમાં રાખવા જરૂરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : દુકાનોના નામ મરાઠી ભાષામાં લખવા અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. એ મુજબ મુંબઈ મહાનગરની હદમાંની તમામ દુકાનો અને પેઢીઓના નામના પાટિયાં મરાઠી ભાષામાં શરૂઆતમાં જ લખવું જરૂરી હશે અને મરાઠી ભાષાના અક્ષરોના ફોન્ટ આકાર અન્ય કોઈપણ ભાષાના અક્ષરોના ફોન્ટ આકાર કરતાં નાના નહીં હોવા જોઈએ. દારૂનું વેચાણ કરતી અથવા પીરસતી દુકાનો નામના પાટિયાં પર મહાન વ્યક્તિ અથવા ગઢકિલ્લાના નામ લખી શકાશે નહીં. 
દુકાન અને પેઢીઓના માલિકોએ કલમ 36 સી (1) અને (2) મુજબ કલમ -6 અંતર્ગત નોંધણી કરેલી દરેક દુકાન અથવા જે પેઢીને કલમ-7 લાગુ છે એ દરેક પેઢીને આ નિયમ લાગુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાની હદમાંની તમામ દુકાનોને નામના પાટિયામાં જરૂર ફેરફાર કરવા માટે 31મી મે, 2022 સુધીની  મુદત આપવામાં આવી છે.
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે તમામ દુકાનો, હૉટેલ, રેસ્ટોરાંએ તેમના બોર્ડ મરાઠી ભાષામાં લખવા તથા તે અન્ય ભાષામાં લખાયેલા નામ કરતા મોટા અક્ષરમાં હોવા જોઇએ. આ ફેરફાર કરવા માટે 31મી મે સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ પાલિકા દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત કરાશે. 
ચાલુ વર્ષની શરૂઆતમાં રાજ્યની પ્રધાનમંડળની બેઠકમાં મહારાષ્ટ્ર શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિસ્મેન્ટ્સ (રેગ્યુલેશન અૉફ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ કન્ડિશન્સ અૉફ સર્વિસ) એક્ટ, 2017માં સુધારા કરવામાં આવ્યા હતા. તેથી 10 કરતા ઓછા કામગાર ધરાવતી દુકાનો-સંસ્થાને તેમના બોર્ડ મરાઠીમાં લખવાનું ફરજિયાત રહેશે.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer