વેપારખાધ વધીને $ 20.11 અબજ થઈ
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઇ):દેશમાંથી એપ્રિલ માસમાં જણસોની નિકાસ 30.7 ટકા વધીને 40.19 અબજ ડૉલર થઇ હતી અને તે માટે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને કેમિકલ્સ સેકટર્સમાં થયેલો નોંધપાત્ર વિકાસ કારણભૂત હોવાનું વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કર્યું હતું. જોકે, વેપારખાધ એપ્રિલમાં વાર્ષિક ધોરણે વધીને 20.11 અબજ ડૉલર થઇ હતી જે વર્ષ એપ્રિલ 2021માં 15.29 અબજ ડૉલરની થઇ હતી.
દરમિયાન, દેશમાં એપ્રિલ માસમાં આયાત પણ 30.97 ટકા વધીને 60.3 અબજ ડૉલર થઇ હોવાનું વાણિજ્ય મંત્રાલયે ઉમેર્યું હતું.
પાછલા નાણાવર્ષમાં જણસોની નિકાસ વિક્રમી થયા બાદ એપ્રિલ 2022માં પણ નિકાસ 40 અબજ ડૉલરના આંકને પાર થઇ છે જે નવી ઊંચાઇ દર્શાવે છે,એમ વાણિજ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.
પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઇલની આયાત એપ્રિલ માસમાં 87.54 ટકા વધીને 20.2 અબજ ડૉલરની થઇ હતી. જ્યારે કૉલ, કૉક અને બ્રિક્વેટ્સની આયાત 4.93 અબજ ડૉલરની થઇ હતી.
એન્જિનિયરિંગ સામાનની નિકાસ 15.38 ટકા વધી 9.2 અબજ ડૉલરની થઇ હતી જ્યારે પેટ્રો પેદાશોની નિકાસ 113.21 ટકા વધી 7.73 અબજ ડૉલરની થઇ હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.
દેશમાં એપ્રિલ માસમાં સોનાની આયાત 72 ટકા ઘટી 1.72 અબજ ડૉલરની થઇ હતી જે એપ્રિલ 2021માં 6.23 અબજ ડૉલરની થઇ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
Published on: Sat, 14 May 2022
એપ્રિલમાં નિકાસ 31 ટકા વધી $ 40 અબજ થઈ
