રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં લાલચોક ખાતે દેખાવો
જમ્મુ/શ્રીનગર, તા. 13 : રાહુલ ભટ્ટની હત્યાને કારણે કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સાડા ત્રણસો સરકારી કર્મચારીઓએ શુક્રવારે હત્યાના વિરોધમાં રાજીનામા ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાને મોકલી આપ્યા હતા. આ તમામ કાશ્મીરી પંડિતો પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. તેમનું કહેવું છે કે આતંકવાદી દ્વારા સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ તેઓ ખીણમાં અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. એ સાથે કાશ્મીરી પંડિતોએ આજે સાંજે લાલચોક પહંચી કેન્ડલ માર્ચ કાઢી હતી.
આજે સવારે સાશ્મીરી પંડિતોએ જમ્મુ-અખનુરના જૂના હાઇ-વેને જામ કરવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ નારેબાજી કરી હતી. પોલીસે આને તાબામાં લીધા હતા. જ્યારે પોલીસના લાઠીચાર્જમાં ચાર જખમી થયા હતા. આંદોલનકારીઓને ઍરપોર્ટ તરફજતા અટકાવવા અશ્રુવાયુના ટેડાનો પણ ઉપયોગ કરવો પડયો હતો.
આતંકવાદીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે
ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વીટર પર લખ્યું હતું કે રાહુલ ભટ્ટના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. સરકાર દુ:ખની આ ઘડીમાં રાહુલના પરિવાર સાથે છે. આતંકવાદીઓ અને એના સમર્થકોને તેમના ગુનાની મોટી કિમત ચૂકવવી પડશે. એ સાથે રાહુલ ભટ્ટનાં પત્નીને સરકારી નોકરી આપવાની સાથે તમામ સહાય આપવાની ખાતરી મનોજ સિન્હાએ પરિવારજનોને આપી હતી.
Published on: Sat, 14 May 2022
350 કાશ્મીરી પંડિતોનાં સામૂહિક રાજીનામા
