ઔરંગઝેબની કબર પર ચાદર ચડાવી રાજ ઠાકરે વિશે બેફામ નિવેદન

ઔરંગઝેબની કબર પર ચાદર ચડાવી રાજ ઠાકરે વિશે બેફામ નિવેદન
હવે અકબરુદ્દીન ઓવૈસીએ વિવાદ છેડયો
ઔરંગાબાદ, તા. 13 : એક તરફ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની તૈયારી ચાલી રહી છે ત્યારે એઆઈએમઆઈએમના વડા  અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ગુરુવારે મહારાષ્ટ્રના ઔરંગબાદની મુલાકાતે આવ્યા હતા. અહીં એક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યા બાદ મનસે પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. જોકે, ખરો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેઓ મોગલ બાદશાહ ઔરંગઝેબની કબર પર ચાદર ચઢાવવા ગયા. તેમની સાથે ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલી પણ હતા. આને પગલે સોશિયલ મીડિયા પર કોમેન્ટ શરૂ થઈ હતી કે એક બાજુ જ્ઞાનવાપી ખાતે સર્વેની તૈયારી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં અકબરુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વિદેશી આક્રમણખોર ઔરંગઝેબની કબર પર ફાતિહા પઢ્યા.
ઔરંગાબાદ ખાતે આયોજિત સભામાં ઓવૈસીએ મનસે પ્રમુખનું નામ લીધા વગર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હું અહીં કોઈને જવાબ આપવા કે ખરુંખોટું સંભળાવવા આવ્યો નથી. તમારી ઓકાત નથી કે હું તમને જવાબ આપું. મારો તો એક સંસદસભ્ય છે, પણ તમે બેઘર છો, લાપતા છો, તમને ઘરમાંથી કાઢી મુકાયા છે. ત્યાર બાદ અકબરુદ્દીને કહ્યું કે કૂતરો ભસે છે તો ભસવા દો. કૂતરાનું કામ છે ભસવાનું અને સિંહનું કામ ચૂપ રહેવાનું. 
આને પગલે અનેક પક્ષોના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ઓવૈસી ભાઇઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રને ચીડવવા તેઓ વારંવાર ઔરંગઝેબ સામે માથું ટેકવે છે. 
મહારાષ્ટ્રમાં અશાંતિ પેદા કરવાની કોશિશ કરે છે. ઔરંગઝેબ એક આક્રમણખોર હતો કોઈ સૂફી સંત નહીં. એણે મહારાષ્ટ્રના મંદિરો તોડયાં, છત્રપતિ શિવાજી મહારાજ સાથે યુદ્ધ કર્યું. યાદ રાખો, ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રએ ખોદી હતી અને તમારી હાલત પણ એવી જ થશે. એક દિવસ તમારે પણ કબરમાં જવું પડશે.
મનસેના નેતા ગજાનન કાલેએ ઔવૈસીની કબરની મુલાકાત પર વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે કોના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે? રાજ ઠાકરે પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે અને ઓવૈસી બંધુઓને ખુલ્લી છૂટ અપાય છે. અકબરુદ્દીન વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. જો કાર્યવાહી નહીં થઈ તો મનસે કાર્યવાહી કરશે.
તો ભાજપના વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે ઔવૈસીને જવાબ આપતાં કહ્યું કે, તેઓ ઔરંગઝેબની ઓલાદ છે એ પુરવાર કર્યું.

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer