મહાત્મા ગાંધીના જીવન પરથી બનશે વૅબ સિરીઝ; પ્રતીક ગાંધી મુખ્ય અભિનેતા

મહાત્મા ગાંધીના જીવન પરથી બનશે વૅબ સિરીઝ; પ્રતીક ગાંધી મુખ્ય અભિનેતા
સત્ય, પ્રેમ અને અહિંસાનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીનું જીવન સ્થળ-કાળથી પર છે. ભારતના મુક્તિ સંગ્રામમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા ગાંધીના જીવન પરથી વૅબ સીરિઝ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણીતા ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના બે પુસ્તક ગાંધી બિફોર ઇન્ડિયા અને ગાંધી ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ પર આધારિત આ સીરિઝનું નિર્માણ અપલૉઝ એન્ટરટેન્મેન્ટ કરે છે અને પ્રતીક ગાંધીને મુખ્ય ભૂમિકા ભજવવા માટે લેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે કારકિર્દી અને રંગભેદના વિરોધથી લઈને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં ગાંધીએ ભજવેલી ભૂમિકા ખાસ કરીને તેમના જીવનની ઓછી જાણીતી વાતોને સીરિઝમાં વણી લેવામાં આવશે. આ ઉપરાંત તેમની સાથેના અન્ય મહાન નેતાઓ જેમણે દેશને આઝાદ કરવામાં અને આધુનિક ભારતના ઘડતરમાં મહત્ત્વનું કાર્ય કર્યું છે તેમના જીવનને પણ સાંકળી લેવામાં આવશે. 
રામચંદ્ર ગુહાએ કહ્યું કે, ગાંધીના સિદ્ધાંતોએ વિશ્વને બદલાયું હતું અને તેમના વારસા બાબતે હજુ પણ ચર્ચાઓ ચાલે છે. તેમની જીવનયાત્રા ભારત, આફ્રિકા અને ઇંગ્લેન્ડ એમ ત્રણ દેશોમાં થઈ હોવા છતાં સમગ્ર દુનિયામાં તેઓ છવાયેલા છે. મારા પુસ્તકો પરથી વૅબ સીરિઝ બનશે તે જાણીને મને આનંદ થયો છે. 
પ્રતીક ગાંધીએ જણાવ્યું હતું કે, હું ગાંધીવાદી વિચારોમાં માનું છું અને તેમના સાદગીના સિધ્ધાંતને અનુસરું છું... હું થિયેટરમાં જોડાયો ત્યારથી મને ગાંધીની ભૂમિકા કરવાની ઇચ્છા હતી. હવે તેમના પાત્રને ભજવવા મળ્યું તે મારા માટે સન્માનીય વાત છે. જોકે, આ સાથે મારા પર મોટી જવાબદારી પણ આવી છે અને આશા છે કે હું તે સારી રીતે નિભાવી શકીશ.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer