મૅચ પહેલાં થશે ક્લોઝિંગ સેરેમની : 8 વાગ્યે ફાઈનલ મૅચ શરૂ થશે
નવી દિલ્હી, તા. 19 : ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 29મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા ફાઈનલ મુકાબલાનો સમય બદલવામાં આવ્યો છે. અત્યારસુધી સાંજના 7.30 વાગ્યે મેચ શરૂ થતા હતા પણ ફાઈનલ મેચ રાત્રીના 8 વાગ્યે શરૂ થશે.
ફાઈનલ મુકાબલા પહેલા આ વખતે ક્લોઝીંગ સેરેમની થશે. તેવામાં સમય બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં છેલ્લા બે આઈપીએલમાં ઓપનિંગ કે ક્લોઝીંગ સેરેમની થઈ નથી. પરંતુ આ વખતે બીસીસીઆઈએ કલોઝીંગ સેરેમની કરવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ અનુસાર 29મી મેના રોજ આઈપીએલ ફાઈનલ પહેલા ક્લોઝીંગ સેરેમનીની શરૂઆત થશે. સાંજે 6.30 વાગ્યે સેરેમનીની શરૂઆત થશે. જેમાં ઘણા બોલિવુડ સ્ટાર પરફોર્મ કરશે. આ સેરેમની લગભગ 50 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સાંજે 7.30 વાગ્યે ટોસ થશે અને રાત્રીના 8 વાગ્યે મેચની શરૂઆત થશે.
આ વખતે આઈપીએલના તમામ લીગ મુકાબલા મુંબઈ અને પુણેમાં રમાયા છે. પરંતુ પ્લેઓફ મેચ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. અમદાવાદમાં એલિમિનેટર અને ફાઈનલ મુકાબલો થવાનો છે. જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે.
Published on: Fri, 20 May 2022
આઈપીએલ ફાઈનલનો સમય બદલાયો
