ગુજરાત સામે બેંગલુરુની આઠ વિકેટે જીત

ગુજરાત સામે બેંગલુરુની આઠ વિકેટે જીત
ટાઈટન્સના 168 રનનું લક્ષ્ય રૉયલ ચેલેન્જર્સે 18.4 અૉવરમાં પાર કર્યું 
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 19 : ગુજરાત ટાઈટન્સના કૅપ્ટન હાર્દિક પંડયાની નોટઆઉટ 62 રનની ફટકાબાજી સામે બેંગલુરુના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ 73 રનની શાનદાર ઈનિંગ રમી ટીમને જીતના પંથે મૂકી હતી. ગુજરાતની ટીમના 20 અૉવરમાં પાંચ વિકેટે 168 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18.4 અૉવરમાં બે વિકેટે 170 રન કરીને ગુજરાતની ટીમને આઠ વિકેટે પરાજિત કરી હતી. વિરાટ સાથે અૉપનિંગમાં આવેલા કૅપ્ટન ડુ પ્લેસીસે પણ 44 રન કર્યા હતા. અૉપનિંગ જોડી આઉટ થયા બાદ મેકસવેલે 18 દડામાં 40 અને દિનેશ કાર્તિકે બે રન કરીને ટીમને જીત અપાવી હતી.
ગુજરાત ટાઈટન્સે પ્લૅઅૉફ્ફમાં સ્થાન પાકું કરી લીધું છે અને પૉઈન્ટ્સ ટેબલમાં તેમનું પહેલું સ્થાન પણ અબાધિત છે. પણ, છેલ્લી લીગ મૅચમાં જીત સાથે પ્લૅઅૉફ્ફમાં પહોંચવાથી ટીમના આત્મવિશ્વાસને બળ મળે એ વિચારે ટૉસ જીતી પહેલા બાટિંગનો નિર્ણય લીધો. સામેછેડે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોરનું પ્લૅઅૉફ્ફમાં પહોંચવું આજની મૅચમાં જોરદાર જીત ઉપરાંત તેમનાથી સારી નેટ રન રેટ ધરાવતી ટીમ દિલ્હી કૅપિટલ્સ શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે હારે એના પર નિર્ભર છે. જોકે, બેંગ્લોરની જીત હૈદરાબાદ અને પંજાબ માટે સ્પર્ધામાં આગળ વધવાના દરવાજા બંધ કરી નાખશે. આમ, ગુજરાત સિવાયની ટીમો માટે મહત્વની આ મૅચમાં ટીમે સારી શરૂઆત બાદ નિરાશાજનક કહી શકાય એવો પાંચ વિકેટે 168 રનનો સ્કૉર ખડો કર્યો હતો.  
મોહમ્મદ સિરાઝની જગ્યાએ ટીમમાં લેવાયેલા અને સિઝનની પહેલી મૅચ રમી રહેલા સિદ્ધાર્થ કૌલે પહેલી જ અૉવરમાં 16 રન આપ્યા અને બીજી અૉવરમાં શાહબાઝે છ રન આપ્યા. આથી સુકાની ડુપ્લેસીએ જૉસ હેઝલવૂડને આક્રમણમાં ઉતાર્યો. હેઝલવૂડે ટેસ્ટ મૅચ ટાઈપ બાલિંગ કરી અને મૅક્સવૅલે પહેલી સ્લિપમાં અદભુત કૅચ પકડી શુભમન ગિલને પેવેલિયન ભેગો કર્યો. એ પછી પાવરપ્લેની છેલ્લી અૉવરમાં બાલિંગ એટેકમાં આવેલા મૅક્લવેલે સાથી અૉસ્ટ્રેલિયન મૅથ્યુ વેડને એલબીડબલ્યુ આઉટ કરી ટીમને બીજી સફળતા અપાવી હતી. એ પછી ક્રીઝ પર આવેલા સુકાની હાર્દિક પંડ્યા સાથે ગઈ મૅચના હીરો વૃદ્ધિમાન સહાએ દાવને સ્થિરતા આપવાનો પ્રયાસ આદર્યો. આ બંનેએ ત્રણ અૉવરમાં 24 રન જોડ્યા બાદ સહા રનઆઉટ થયો હતો. ડેવિડ મિલર સાથે હાર્દિક ક્રીઝ પર હતો ત્યારે લાગતું હતું કે, હવે ગુજરાતનો અશ્વમેઘ નહીં રોકાય. વાનખેડેની સૂકી પીચ પર મિલરે રસાળ બાટિંગ કરી અને ત્રણ અૉવરમાં માત્ર દસ રન આપનાર મૅક્સવેલની છેલ્લી અૉવરમાં 18 રન ઝૂડી કાઢ્યા હતા. સ્પીનરોની બરાબર ખબર લઈ રહેલો મિલર જોકે, સ્પીનરનો જ શિકાર બન્યો હતો. દાવની સત્તરમી અૉવરમાં વનિન્દુ હસારંગાએ મિલરનો વળતો કૅચ લઈ ગુજરાતના સ્કારિંગ પર બ્રૅક મૂક્યો હતો. મિલરે 25 બૉલમાં 34 રન કર્યા હતા. 
એ પછી આવેલા રાહુલ તેવટિયા આજે કોઈ ચમત્કાર દેખાડી શક્યો નહોતો અને હેઝલવૂડની બાલિંગમાં વિકેટની પાછળ દિનેશ કાર્તિકને કૅચ આપી બેઠો હતો. છેલ્લી સાડા ત્રણ અૉવરમાં સુકાની અને ઉપસુકાની રાશિદ ખાનની જોડીએ 36 રન ઉમેરી ટીમને સન્માનજનક 168 રન સુધી પહોંચાડી હતી. દાવની તેરમી અૉવરમાં ફિલ્ડિંગ કરતી વખતે બૉલર હર્ષલ પટેલને આંગળી અને અંગૂઠાને જોડતા ભાગમાં ઈજા થતાં મેદાનની બહાર જતો રહ્યો હતો. તેણે એક જ અૉવર નાખી હતી. બેંગ્લોરે સાત બૉલરોને અજમાવ્યા હતા, એમાંથી એક હસારંગા જ અસરદાર સાબિત થયો હતો. હેઝલવૂડે ચાર અૉવરમાં 39 રન આપી બે વિકેટો લીધી હતી. તો ફાંકડી ફટકાબાજી કરી હાર્દિક 47 બૉલમાં 62, તો રાશિદ છ દડામાં 19 રન કરી અણનમ રહ્યા હતા.
વિરાટના બેંગલુરુ તરફથી આઈપીએલમાં સાત હજાર રન
ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કોહલીએ આજે 54 બૉલમાં 73 રન ફટકારી વિરાટ પ્રદર્શન કરવા સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી આઈપીએલમાં કુલ સાત હજાર રન ફટકારવાનો વિક્રમ પણ બનાવ્યો હતો. વિરાટે આજે 73 રનમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવ્યું હતું. આઈપીએલની આ સિઝનમાં વિરાટની આ બીજી અડધી સદી છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer