મસાલા, તેલ મોંઘાં થતાં અથાણાંનું બજેટ ખોરવાયું

મસાલા, તેલ મોંઘાં થતાં અથાણાંનું બજેટ ખોરવાયું
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 19 : ઇંધણના ભાવ વધ્યા બાદ દેશમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી બની છે. અથાણાં બનાવવાની સિઝન ચાલી રહી છે. જે પ્રમાણે દરેક ખાદ્યચીજોનો ભાવ વધ્યા છે તે જોતાં આ વર્ષે ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવાના મોંઘા પડે તેમ છે. અથાણાં માટે ઉપયોગમાં લેવામાં આવતા મસાલાઓની કિંમતના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. તેલ પણ મોંઘું થઇ ગયું છે જેના કારણે અથાણાંનું બજેટ ખોરવાયું છે.  
આ વખતે કમોસમી વરસાદને કારણે બજારમાં અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું હતું. જેના લીધે અથાણાં બનાવવાની સીઝન એપ્રિલના મધ્યથી શરૂઆત થઇ હતી. સુરતમાં અનેક મહિલાઓ અથાણાં બનાવવાના ધંધા સાથે સંકળાયેલી છે. જેઓનું માનવું છે કે અથાણાંમાં ગુણવત્તા મામલે બાંધછોડ કરી શકાય તેમ નથી. મસાલા તો જે પ્રમાણમાં અથાણાંના જથ્થામાં જરૂર રહે છે તે નાખવા પડે છે. આ કારણોસર અનેક પરિવારોએ અથાણાંના જથ્થામાં કપાત મૂકી છે. બે કિલો બનાવતા હોય તે એક કિલો પર આવ્યા છે.
મસાલા વ્યવસાય સાથે સંકલાયેલા ચુની ઉત્તમ ગાંધીના માલિક ભરતભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં દરેક પ્રકારના મસાલા મળે છે. હિંગની જ વાત કરીએ તો હિંગ અફઘાનિસ્તાનથી આવે છે. ત્યાં સરકારમાં તાલિબાન શાસક આવ્યા બાદ હિંગની આવક લગભગ બંધ જેવી થઇ છે. આ તરફ તજાકિસ્તાન અને ઇરાનથી આવતી હિંગના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે લોકોને હિંગ મોંઘી પડી રહી છે. અથાણાંની કેરી બજારમાં આવે તે પહેલાં જ લગભગ તમામ મરચું, હળદર સહિતના ભાવ વધતા અથાણાંમાં વપરાતા તૈયાર મસાલાની કિંમત મોંઘી થઇ છે. સામાન્ય રીતે દર વર્ષે પાંચથી સાત ટકાનો ભાવ વધતો હોય છે આ વર્ષે મસાલાના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે.  
અથાણાં બનાવી વેચાણ કરનાર મીનાબેન પટેલ જણાવે છે કે, અમે આખા વર્ષના અથાણાં બનાવીને વેચાણ કરીએ છીએ. અથાણાંમાં વપરાતા મસાલાના ભાવો વધતા અથાણાંના ભાવોમાં પણ વધારો કરવો પડ્યો છે. જેથી ગ્રાહકોએ એડવાન્સ બુકીંગના ઓર્ડરમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે રૂપિયા 160ના ભાવે પ્રતિ કિલો વેચાણ કર્યું હતું. આ વર્ષે વિવિધ કેટેગરીના અથાણાંના ભાવ વધીને પ્રતિ કિલોના રૂા. 200 થી 250 કર્યા છે. કેરીની સિઝન ચાલુ છે પણ કેરી બજારમાં ખાસ જોવા મળતી નથી. જેના કારણે ક્વોલિટી જાળવવા અથાણાંની સારી કેરીની રાહ જોવી પડે તેમ છે. મસાલા અને કેરીના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer