વૈશ્વિક સોનામાં સુધારો, સ્થાનિક નરમ

વૈશ્વિક સોનામાં સુધારો, સ્થાનિક નરમ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 19 : સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ડોલર અને અમેરિકી બોન્ડના મૂલ્યમાં ઘટાડો શરૂ થતા સોનું સલામત રોકાણમાગના ટેકે ઉંચકાઇને 1841 ડોલર અને ચાંદી 21.82 ડોલરની સપાટીએ પહોંચી ગઇ હતી.શેરબજારોમાં કડાકાને લીધે રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું હતુ એ કારણે ઘણા રોકાણકારો ફરીથી સોના તરફ વળ્યા હતા. 
એક વિષ્લેષક કહે છેકે, ડોલરના મૂલ્યમાં બે દિવસથી ઘટાડો થઇ રહ્યો છે. જોકે હવે તેજી અટકી ગઇ છે બીજી તરફ સોનું સ્થિર થઇને વધવા તરફ ગતિ કરવા માંડ્યું છે. ડોલરના મૂલ્યમાં ફરીથી તેજી આવે અને ફુગાવો વધતો જાય તો ફેડરલ બેંકને વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડશે અને તે કાણે સોનું ઘટી શકે છે. સોનામાં ટેકનિકલ રીતે 1790-1800ના મથાળે સપોર્ટ છે.ઉંચામાં 1860 પ્રતિકારક લેવલ ગણાય છે. 
ચાલુ સપ્તાહે સોમવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો થતા ચાર મહિનાના તળિયે જતું રહ્યું હતુ જોકે એ પછી બજારમાં વળતો સુધારો થયો છે. ચાલુ સપ્તાહમાં 2 ટકા વધ્યું છે. ડોલર 20 વર્ષની ટોચની સપાટીથી ઘટી જતા સોનાને વધવા માટે મોકળું મેદાન મળી ગયું છે. અમેરિકામાં અઠવાડિક ધોરણે રજૂ થતા બેરોજગારીના દાવાઓની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે ડોલરની તેજી અટકી હોવાનું કહેવાય છે.  
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ચાલુ સપ્તાહે એમ કહ્યું હતુ કે, અમેરિકાની સેન્ટ્રલ બેંક વ્યાજદરનો વધારો ફુગાવાને લક્ષ્યમાં લઇને કરી શકે છે. ફુગાવો સોનાને ઉંચકાવતો હોય છે જ્યારે વ્યાજદર વધે તો સોનાને માટે તે ઘટવાનું કારણ બની રહે છે. આમ તેજી-મંદી બન્ને તરફ બજાર ખેંચાય છે.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું રૂ. 300 ઘટીને રૂ. 52400 તથા ચાંદી રૂ.400ના ઘટાડામાં રૂ.61700ની સપાટીએ હતી. 
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer