ઝડપથી વિકસતા મોટા દેશોમાં ભારત મોખરે રહેશે : યુએન

ઝડપથી વિકસતા મોટા દેશોમાં ભારત મોખરે રહેશે : યુએન
વર્ષ 2022માં જીડીપી 6.4 ટકા રહેવાનું અનુમાન
નવી દિલ્હી, તા. 19 : રશિયા-યુક્રેન યુદ્ધ લંબાતા વૈશ્વિક વૃદ્ધિદરને માઠી અસર થઈ છે અને તેથી વર્ષ 2022માં ભારતનો જીડીપી 6.4 ટકા રહેશે, જે ગયા વર્ષના 8.8 ટકાના વૃદ્ધિદરથી ઓછો હોવા છતાં વિશ્વના અન્ય રાષ્ટ્રોની તુલનાએ ભારતનો વિકાસ દર સૌથી ઝડપી હશે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
`વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન ઍન્ડ પ્રોસ્પેક્ટસ (ડબ્લ્યુઈએસપી)' નામના અહેવાલમાં યુએન ડિપાર્ટમેન્ટ અૉફ ઈકોનોમિક ઍન્ડ સોશિયલ અફેર્સએ જણાવ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ લંબાવાથી કોવિડ મહામારીમાંથી બહાર આવેલા વૈશ્વિક અર્થતંત્રને વિકાસ સાધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે. યુદ્ધના કારણે જાગતિક સ્તરે ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે અને યુરોપમાં માનવ સંકટ નિર્માણ થયું છે.
વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર માત્ર 3.1 ટકાના વૃદ્ધિદરે વિકાસ પામશે, જે જાન્યુઆરીમાં કરાયેલી આગાહી કરતાં ચાર ટકા ઓછો છે. વૈશ્વિક સ્તરે ફુગાવો વધીને 6.7 ટકા થશે, એમ યુએનના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
દક્ષિણ એશિયાના દેશોના વિકાસનું ભાવિ અંધકારમય બન્યું છે. કૉમોડિટીના ઊંચા ભાવના કારણે ફુગાવો અસહ્ય સ્તરે વધી ગયો હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રાંતમાં સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા ભારતનો જીડીપી 6.4 ટકાના દરે વિકાસ પામશે જે 2021ના 8.81 ટકાથી ઓછો છે. ઊંચા ફુગાવાનું દબાણ અને લેબર માર્કેટની અસમાન સુધારણાથી વ્યક્તિગત ધોરણે વપરાશ અને રોકાણ ઉપર અંકુશ આવશે, એમ યુએનના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વર્ષ 2023માં ભારતનો વૃદ્ધિદર છ ટકા રહેવાની આગાહી તેમાં કરવામાં આવી છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer