અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : શિયાળા અને ઉનાળાની તીવ્રતા આ વર્ષે વધુ હતી. તેથી ચોમાસાનું જોર પણ ભારે હોવાની સંભાવના છે. જો દિવસમાં 200 મિ.મી. (આઠ ઇંચ) વરસાદ પડે તો માત્ર મુંબઈ નહીં, પરંતુ કોઈ પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય એમ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું છે.
મુંબઈ પાલિકાની ચોમાસાના મુકાબલાની સજ્જતાની સમીક્ષા માટે યોજાયેલી બેઠક બાદ ઠાકરેએ જણાવ્યું હતું કે કુદરતી પ્રકોપને કોઈ રોકી શકે નહીં. અમે વિવિધ સ્થળોએ પાણી ઉલેચવાના પમ્પ બેસાડયા છે. વિક્રોલી અને માહુલમાં ગત વર્ષે ભેખડ ધસી પડવાને કારણે 29 જણાનાં મૃત્યુ નીપજ્યાં હતાં. ત્યાં રિટેનિંગ વોલ (દીવાલ) બાંધવા માટે 62 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ કાયમી ઉપાય નથી. અમે ટેકરી કે તેના ઢોળાવ ઉપર રહેનારાઓને માટે આગામી સમયમાં 30,000 ઘરો બાંધવા માગીએ છીએ એમ આદિત્ય ઠાકરેએ ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રમાં પાંચમી જૂનથી ચોમાસું બેસશે
ચોમાસાની તૈયારી માટે મુંબઈ પાલિકાના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં હવામાન ખાતાના કે. એસ. હોસાળકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પાંચમી જૂને ચોમાસું બેસે એવો અંદાજ છે. આંદામાનમાં 16મી મેથી ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં 27મી મેએ ચોમાસું બેસશે. મરાઠવાડામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે.
નાળાં સફાઈનું 35 ટકા કામ : આંદોલન કરવાની ભાજપની ચીમકી
મુંબઈમાં 12મી એપ્રિલથી 19મી મે સુધીના સમયગાળામાં નાળાંની સફાઈનું ફક્ત 35 ટકા કામ પૂર્ણ થયું છે. તેથી જરૂર પડયે ભાજપ દ્વારા આંદોલન કરવામાં આવશે એમ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભાજપના નેતા આશિષ શેલાર, પ્રભાકર શિંદે, વિનોદ મિશ્રા અને ભાલચંદ્ર શિરસાટ દ્વારા મુંબઈ પાલિકાના આયુક્ત ઇકબાલસિંહ ચહલને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈમાં દર વર્ષે માર્ચ માસના અંતમાં નાળાં સફાઈનું કામ શરૂ થાય છે. ગત સાતમી માર્ચે તે અંગેનો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂર થઈ શક્યો નહોતો. તેથી નાળાં સફાઈ સમયસર શરૂ થઈ શકી નહોતી. ભાજપ દ્વારા ફોલોઅપ પછી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાળાં સફાઈનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આયુક્ત દ્વારા 15મી મે સુધીમાં નાળાં સફાઈનું 75 ટકા કામ પૂર્ણ થશે એવી ખાતરી આપવામાં આવી હતી. જો આગામી 15 દિવસમાં નાળાં સફાઈનું કામ પૂર્ણ થાય નહીં તો મુંબઈમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ શકે છે. નાળાં સફાઈ ઉપર અમારો ભારતીય જનતા પક્ષ બારીકાઈથી ધ્યાન આપી રહ્યો છે. જો કામમાં ઢીલ જણાશે તો અમે આંદોલન કરશું એમ પત્રમાં ઉમેરવામાં આવ્યું છે.
Published on: Fri, 20 May 2022