ઓબીસી પરનો અહેવાલ સુપરત થયા બાદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે ઓબીસી ક્વોટાના અનુભવજન્ય ડેટા એકઠા કરવા રચાયેલી સમિતિ તેનો અહેવાલ સુપરત કરશે તે પછી મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. સમિતિ આગામી મહિને તેનો અહેવાલ સરકારને સુપરત કરવાની છે.
ઓબીસી ક્વોટા સાથે સ્થાનિક નિગમોની ચૂંટણી યોજવાની સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારને બુધવારે છૂટ આપી હતી તેની નોંધ લેતા અજિત પવારે જણાવ્યું હતું કે આવો નિર્ણય મહારાષ્ટ્રને લાગુ પડે છે કે નહીં તે જોવા માટે મહારાષ્ટ્ર સરકારે પગલાં ભરવાના શરૂ કરી દીધા છે.
અત્રે પત્રકારો સમક્ષ બોલતાં અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક નિગમોની ચૂંટણીઓમાં અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ને પ્રતિનિધિત્વ મળે તે માટે એમવીએ સરકાર છેલ્લે સુધી પ્રયાસો કરશે. ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી જયંત બાંઠીઆની આગેવાની હેઠળ રચાયેલી સમિતિ ઓબીસીના અનુભવજન્ય ડેટા એકઠા કરવાનું કામ કરી રહી છે અને જ્યારે તે તેનો અહેવાલ અમને સુપરત કરશે ત્યારે અમે સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ રાખશું એમ પવારે જણાવ્યું હતું.
ઓબીસી માટે રાજકીય ક્વોટાની ખાતરી આપવાનો પ્રયાસ કરતી વખતે મહારાષ્ટ્ર સરકાર એ વાતનું ધ્યાન રાખશે કે કુલ ક્વોટા 50 ટકાની મર્યાદાથી વધી ન જાય. અમે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, એમ પવારે જણાવ્યું હતું.
સેના, એનસીપી, કૉંગ્રેસ પ્રત્યેક રાજ્યસભાની એક બેઠક જીતશે : અજિત પવાર
દરમિયાન અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્યમાં રાજ્યસભાની છ બેઠકોની ચૂંટણીમાં એમવીએ સરકારના ત્રણેય પક્ષો શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી પ્રત્યેક એક એક બેઠક સરળતાથી જીતી શકે છે જ્યારે ભાજપને બે બેઠકો મળી શકે તેમ છે.
એનસીપીના વડા શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તાજેતરમાં મળ્યા હતા અને તેમણે 10 જૂનના યોજાનારી રાજ્યસભાની ચૂંટણી વિષે ચર્ચા કરી હતી એમ અજિત પવારે જણાવ્યું હતું.
નોંધનીય છે કે શિવસેનાએ સંસદના ઉપલાગૃહમાં તેના બે ઉમેદવારો ચૂંટાઈ આવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer