કૉંગ્રેસ કેટલાક લોકોની ગૅન્ગ બની ગઈ છે

વરિષ્ઠ નેતા સુનીલ જાખડ ભાજપમાં જોડાયા
અમારા પ્રતિનિધિ  તરફથી
નવી દિલ્હી, તા. 19 : હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડયા બાદ કૉંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબ એકમના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પક્ષ છોડયાના થોડા દિવસમાં જ ભાજપમાં જોડાયા છે. પૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીની ટીકા કરતા કૉંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા કારણ બતાઓ નોટિસ આપ્યાના થોડા અઠવાડિયામાં જ સુનીલ જાખડે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મીડિયાને સંબોધતા સુનીલ જાખડે કહ્યું કે કૉંગ્રેસ હવે કેટલાક લોકોની ગેંગ બની ગઈ છે.
કૉંગ્રેસ સાથેના સંબંધ તોડવા અંગે દુ:ખ વ્યક્ત કરતા જાખડે કહ્યું કે, જેને તેઓ પરિવાર કહેતા હતા એણે મને કોરાણે મૂકી દીધો. કારણ તેમણે કહ્યું કે પક્ષ પંજાબને ટકાવારીમાં વહેચી શકે નહીં અને લોકોને જાતિના આધારે વિભાજિત કરી શકે નહીં. નડ્ડા સાથે મંચ પરથી કહ્યું હતું કે, સુનીલ જાખડને પક્ષના પદેથી હટાવી શકાય, પરંતુ ચૂપ કરી ન શકાય.
કૉંગ્રેસ સાથે મારો પચાસ વરસનો સંબંધ હતો, 1972થી મારા પરિવારની ત્રણ પેઢી પક્ષ સાથે છે. હું એને પરિવાર માનતો હતો. તેમણે કહ્યું કે કૉંગ્રેસમાં જાતિવાદનું એક તત્ત્વ છે, પરંતુ ભાજપમાં
સમાનતા છે.
જે.પી. નડ્ડાએ સુનીલ જાખડનું પક્ષમાં સ્વાગત કરતા કહ્યું કે, હું સુનીલ જાખડનું ભારતીય જનતા પક્ષમાં સ્વાગત કરું છું. તેઓ એક અનુભવી રાજકારણી છે, જેમણે રાજકીય કારકિર્દી દરમિયાન અનેક મહત્ત્વની ભૂમિકા પાર પાડી છે. મને વિશ્વાસ છે કે તેઓ પંજાબ અને દેશમાં પક્ષને મજબૂત કરવામાં મોટી ભૂમિકા નિભાવશે.
જાખડના નજીકના સૂત્રના જણાવ્યા મુજબ તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે. ઉપરાંત તેમને પંજાબની જવાબદારી સોંપાય એવી શક્યતા છે. એ સાથે અસંતુષ્ટ કૉંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
જાખડ પંજાબના એક મુખ્ય બિન-શીખ ચહેરો છે. કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ પંજાબમાં ભાજપનો આ બીજી મહત્ત્વની સફળતા છે. તેઓ પડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષને સહાયરૂપ બની શકે છે.
Published on: Fri, 20 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer